દાહોદ,દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત સ્માર્ટ રોડમાં અવરોધ રૂપ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. તે અંતર્ગત શહેરના ગોધરા રોડ ગોદી રોડ તેમજ દાહોદના હાર્દ સમા ગણાતા સ્ટેશન રોડ પર વહીવટી તંત્ર દ્વારા મોટાપાયે ડિમોલીશનની કામગીરી હાથ ધરતા 500થી વધુ દુકાનો જમીન દોસ્ત કરી દેવામાં આવી છે. જેના પગલે આ દુકાનો પર જીવન નિર્વાહ કરતા 2000થી વધુ વેપારીઓ તેમજ તેમના ત્યાં કામ કરતા કામદારોના પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. સાથે સાથે વિસ્થાપિત થઈ જતા આર્થિક સંકળામણમાં પહોંચી ગયા ની પરિસ્થિતિમાં આવી ગયા છે. તેવા સંજોગોમાં વેપારીઓ તેમજ તેમના કામદારો દ્વારા શહેરમાં જુદી જુદી કો-ઓપરેટીવ સોસાયટી બેંકોમાંથી જુદા જુદા ધિરાણો, મિલકત લોન જાતજમીન લોન, સીસી લોન પણ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં એક તરફ ધંધા રોજગાર છીનવાઈ જતા બીજી તરફ આર્થિક સંકળામણ ઊભી થતા આ પરિવારોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. તેમાંય બેંક લોન ના હપ્તા ભરવા તેમના માટે કપરા ચઢાણ જેવું સાબિત થઈ રહ્યું હતું. તેવા સંજોગોમાં વેપારીઓ તેમજ તેમના કામદારોની વ્હારે આવેલી રામ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીએ વેપારીઓના હિતમાં એક અનોખો નિર્ણય લીધો છે તેમાં બેન્કની કમિટી દ્વારા મીટીંગ કરી આપાતકાલીન પરિસ્થિતિમાં આવી પડેલા સંજોગોને ધ્યાનમાં લઇ રામ બેંકમાં સભાસદ ધરાવતા ખાતેદારો જેઓએ બેંકમાંથી લોન લીધેલી છે તેઓને આગામી ત્રણ મહિના સુધી લોનના હપ્તામાંથી મુક્તિ આપવાનું ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. રામ બેંકના ચેરમેન ભરતસિંહ સોલંકી એ જણાવ્યું છે કે આવા કપરા સમયમાં બેંકની સહાનુભૂતિ તેમજ સંવેદના આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા વેપારીઓ તેમજ તેમના કામદારો સાથે છે. આવી પડેલી પરિસ્થિતિઓમાં રામ બેંક તેમના ખાતેદારો તેમજ તેમના સભાસદોની પડખે ઉભેલી છે. અમે આશા રાખીએ છીએ કે ડિમોલીશનની કામગીરીમાં પાયમાલ થઈ ગયેલા વેપારીઓ માટે સરકાર દ્વારા આગામી સમયમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે અને તેઓ બહુ ઝડપથી પગભેર થઈ જશે.જેથી આ ઐતિહાસિક નિર્ણય કમિટીમાં લેવામાં આવ્યો છે. અને આગામી ત્રણ મહિના સુધી બેંકના સભાસદોને તમામ પ્રકારની લોનમાં આગામી ત્રણ માસ સુધીની મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે.