ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ તરફથી મોટી રાહત, બે અઠવાડિયાના જામીન મંજૂર

  • ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ત્રણ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઈસ્લામાબાદ,પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનની મુશ્કેલી વધી શકે છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અલ કાદિર ટ્રસ્ટ કેસમાં જામીન અરજીની સુનાવણી વચ્ચે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. માહિતી અનુસાર પંજાબ પોલીસ ૯ મેના રોજ ભડકેલી હિંસા બદલ તેમની ધરપકડ કરવા ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચી ગઈ છે. જામીન કેસની સુનાવણી પૂૂૂરી થયા પછી ઈમરાન ખાનની ધરપકડ થવાની શક્યતા વધી ગઈ છે. ખુદ ઈમરાન ખાને તેમની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. પંજાબ પોલીસના સ્પેશિયલ ડીઆઈજી ધરપકડનું વૉરન્ટ પણ લઈને આવ્યા છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાનને તોશાખાના કેસમાં રાહત મળ્યા બાદ તેમની સામે દાખલ અલ કાદિર ટ્રસ્ટ કેસમાં જામીન અરજી પર પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસ પર ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં કોર્ટ રૂમ ૩માં વિશેષ જજોની બેન્ચ દ્વારા આ સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી પહેલા કોર્ટ રૂમને સીલ કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટ લાવવા માટે ત્રણ લેયરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. હાઈકોર્ટની બહાર સૈન્ય, પોલીસ અને સ્પેશિયલ ફોર્સને તહેનાત કરવામાં આવી છે. આ દરમિયાન ઈસ્લામાબાદમાં સુરક્ષાદળો અને ઈમરાન ખાનના સમર્થકો વચ્ચે અથડામણના પણ અહેવાલ આવ્યા હતા. મોટી સંખ્યામાં ઈમરાન ખાન અને પીટીઆઈના સમર્થકો ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર એકઠાં થયા હતા. સમગ્ર ઈસ્લામાબાદમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. અથડામણને પગલે ૩૦થી વધુ સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી હતી. કોર્ટ સુધી સમર્થકોની એટલી ભીડ પહોંચી ગઈ હતી કે કોર્ટ રૂમ ૪નું બારણું જ તૂટી ગયું હતું.

ઈમરાન ખાન વિરુદ્ધ અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં છેતરપિંડી કરવા બદલ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ સમગ્ર વિવાદ અલ કાદિર ટ્રસ્ટ યુનિવર્સિટી સાથે સંબંધિત છે. ઈમરાન ખાન તેની પત્ની બુશરા બીબી અને તેમના નજીકના સાથીદારો ઝુલ્ફીકાર બુખારી અને બાબર અવાને પંજાબના ઝેલમ જિલ્લાના સોહાવા તાલુકામાં ’ગુણવત્તાયુક્ત શિક્ષણ’ પ્રદાન કરવા અલ-કાદિર યુનિવર્સિટીની સ્થાપના કરવાના ઉદ્દેશ્ય સાથે અલ-કાદિર પ્રોજેક્ટ ટ્રસ્ટની રચના કરી હતી. તેના પર આરોપ છે કે દાનમાં આપવામાં આવેલી જમીનના દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે. ઈમરાન અને તેની પત્નીએ યુનિવર્સિટી માટે ગેરકાયદેસર રીતે જમીન હડપ કરી હતી અને બંનેએ પાકિસ્તાનના સૌથી ધનિક વ્યક્તિ મલિક રિયાઝને ધરપકડના નામે ધમકી આપીને અબજો રૂપિયાની જમીન પોતાના નામે કરાવી લીધી હતી.

ટ્રસ્ટની ઓફિસનું સરનામું દસ્તાવેજોમાં બાની ગાલા હાઉસ, ઈસ્લામાબાદ જણાવવામાં આવ્યું છે. બુશરા બીબીએ પાછળથી ૨૦૧૯માં દાન મેળવવા માટે ખાનગી રિયલ એસ્ટેટ ફર્મ બહરિયા ટાઉન સાથે સમજૂતીના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા હતા. ટ્રસ્ટે તેના સોદાના ભાગરૂપે બહેરિયા ટાઉન પાસેથી ૪૫૮ કનાલ, ૪ મરલા અને ૫૮ ચોરસ ફૂટ જમીન હસ્તગત કરી હતી. જો કે ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહના જણાવ્યા અનુસાર આ ૪૫૮ કનાલ જમીનમાંથી ઈમરાન ખાને પોતાનો હિસ્સો નક્કી કર્યો અને દાનમાં આપેલી ૨૪૦ કનાલ જમીન બુશરા બીબીના નજીકના મિત્ર ફરાહ ગોગીના નામે ટ્રાન્સફર કરી દીધી હતી.

સનાઉલ્લાએ દાવો કર્યો હતો કે આ જમીનની કિંમત ઓછી આંકવામાં આવી હતી અને ઈમરાન ખાને તેનો હિસ્સો યુનિવર્સિટીના નામે કરાવ્યો હતો. પૂર્વ સીએમએ આ મામલાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આરોપો બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ નાણાં પ્રધાન મિફતાહ ઈસ્માઈલે ટ્વીટ કર્યું હતું કે ઈમરાન ખાને રિયલ એસ્ટેટ ઉદ્યોગપતિ મલિક રિયાઝને લગભગ ફ્ર૧૯૦ મિલિયન આપ્યા હતા, જેમણે પાછળથી આ રકમ બ્રિટિશ સત્તાવાળાઓને તપાસ કરવા માટે આપવી પડી હતી કે આ નાણાં ગુનાની કોઈ આવકમાંથી હતા કે નહીં.

મલિક રિયાઝે સેંકડો એકર જમીન એક ટ્રસ્ટને દાનમાં આપી હતી જેના સભ્યો ઈમરાન ખાન, બુશરા બીબી અને ફરાહ ગોગી હતા. પરંતુ આરોપો અનુસાર ટ્રસ્ટને ૨૦૨૧માં અલ-કાદિર યુનિવસટી નામની એક નિર્માણાધીન સંસ્થા માટે દાનના નામે લાખો રૂપિયા મળ્યા હતા જેનું ઉદ્ઘાટન ઈમરાન ખાને ૫ મે ૨૦૧૯ના રોજ કર્યું હતું. તેઓ આ સંસ્થાના અધ્યક્ષ છે. આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે પાકિસ્તાનના મીડિયાએ અહેવાલ આપ્યો કે ટ્રસ્ટને ૧૮૦ મિલિયન પાકિસ્તાની રૂપિયા મળ્યા છે, જ્યારે રેકોર્ડ્સ લગભગ ૮.૫૨ મિલિયન પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ દર્શાવે છે. એવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે જ્યારે સંસ્થાને ટ્રસ્ટ તરીકે સ્વીકારવામાં આવી છે તો પછી સંસ્થા શા માટે વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવી રહી છે.