ગુજરાત આકરી ગરમીથી શેકાયુ, રાજ્યના ૮ શહેરોમાં ૪૩ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ

અમદાવાદ,ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીની ઉપર રહ્યો છે. ગુરૂવારે ૪૪ ડિગ્રી સાથે અમરેલી સૌથી વધુ ગરમ શહેર રહ્યું. રાજ્યના ૮ શહેરોમાં ૪૩ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું. વડોદરા અને રાજકોટમાં ૪૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું. તો અમદાવાદ અને ડીસામાં ૪૩.૭ સુધી તાપમાનનો પારો રહ્યો. ગાંધીનગર અને પોરબંદરમાં ૪૩.૫, તો ભૂજમાં ૪૩.૪ ડિગ્રી, જ્યારે ભાવનગર અને સુરતમાં ૪૨ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું.

રાજ્યમાં જ્યાં કાળઝાળ ગરમી પડી રહી છે તેવા શહેરો માટે ૨૪ કલાક મહત્વના છે. ૨૪ કલાક બાદ તાપમાન ઘટવાની હવામાન વિભાગે આગાહી કરી છે. જોકે હજુ બે દિવસ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ અને સુરતમાં યલો એલર્ટ અપાયું છે. અમદાવાદમાં બે દિવસ બાદ યલો એલર્ટ રહેશે. ૧૩ મેથી રાજ્યના લોકોને ગરમીથી રાહત મળી શકે છે. ૧૩ મેથી પવનની દિશા બદલાતા તાપમાનમાં ૩ ડિગ્રી જેટલો ઘટાડો નોંધાશે.