સતત પાંચમા દિવસે પીજીવીસીએલના દરોડા:રાજકોટના ૧૫ જેટલા વિસ્તારમાં ચેકિંગ શરૂ, ૪ દિવસમાં ૯૫ લાખથી વધુની વીજ ચોરી ઝડપાઇ

રાજકોટ,મેં મહિનાની શરૂઆત બાદ બીજા સપ્તાહની શરૂઆતથી પીજીવીસીએલ દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી સતત પાંચમા દિવસે રાજકોટ શહેરમાં વહેલી સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન ૧ હેઠળ વિસ્તારમાં અલગ અલગ ૪૧ ટૂમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જયારે આગલા ૪ દિવસમાં કુલ ૯૫ લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મેં મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે સતત પાંચમા દિવસે વહેલી સવારથી અલગ અલગ ૪૧ ટીમો દ્વારા પુજારા પ્લોટ, લલુડી વોકળી, ગીતા મંદિર મેઈન રોડ, મહાકાળી ચોક, ગંજીવાડા અને જયપ્રકાશ નગર સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ ૪ ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ ૪ વીડિયો ગ્રાફર, ૧૭ લોકલ પોલીસ અને ૧૪ એસઆરપીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૪ દિવસમાં કુલ ૯૫ લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે ૪૩ ટીમો દ્વારા ૬૬૪ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૦૬ ક્નેક્શનમાંથી ૨૫.૦૩ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. બીજા દિવસે ૪૨ ટિમો દ્વારા ૨૭૩ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ ૧૦૬ ક્નેક્શનમાંથી ૨૫.૭૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. ત્રીજા દિવસે ૪૪ ટિમો દ્વારા ૨૬૬ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી કુલ ૧૧૯ ક્નેક્શનમાંથી ૨૩.૭૧ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જયારે ગઈકાલે ચોથા દિવસે ૪૬ ટીમો દ્વારા ૮૧૬ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ ૧૨૨ ક્નેક્શનમાંથી ૨૨.૭૧ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.