હાલોલ બસ સ્ટેન્ડમાં ગંદકીના સામ્રાજયથી મુસાફરો પરેશાન

હાલોલ,હાલોલ નગર ખાતે સાફ સફાઈના અભાવને લઈને વારંવાર ફરિયાદો ઉઠતી સાંભળવા મળે છે. હાલોલ નગર ખાતે સ્વચ્છતાં અભિયાનના મોટા બેનરો લગાવેલા જોવા મળી રહ્યા છે. જયારે હકીકત તો કઈંક અલજ જોવા મળી રહી છે.

હાલોલ નગરના હાર્દ સમા બસ સ્ટેન્ડની અંદર કમ્પાઉન્ડમાં આવેલી દિવાલોને અડીને કચરાના ઢગલાઓ જોવા મળે છે. જોકે કચરાના ઢગલાની સામે જ સ્વચ્છતાં અભિયાનનુ ચિતરામણ દિવાલ પર કરેલુ જોવા મળે છે. પરંતુ દિવા તળે જ અંધારૂ ઉક્તિને સાર્થક કરતી હોય તેમ અહિં ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ જોવા મળે છે. બસ સ્ટેન્ડની અંદર સાફસફાઈની જવાબદારી બસ સ્ટેન્ડ સંચાલકોની હોય છે. પરંતુ આ બસ સ્ટેન્ડ નગરપાલિકાના વિસ્તારમાં આવતુ હોઈ પાલિકા તંત્રએ થોડા દિવસો અગાઉ એક કોમ્પલેક્ષની બહાર કચરાના ઢગલા કરવા બદલ નોટિસ પાઠવી હતી. પરંતુ બસ સ્ટેન્ડની અંદર હજારોની સંખ્યામાં મુસાફરો આવતા હોય છે. તો નગરપાલિકાનુ તંત્ર મુસાફરોથી ધમધમતા બસ સ્ટેન્ડમાં મુસાફરોની આરોગ્ય લક્ષી ચિંતા કરી તાત્કાલિક અસરથી પગલા ભરે અને બસ સ્ટેન્ડના સંચાલકોને નોટિસ પાઠવી બસ સ્ટેન્ડની અંદરના કચરાનો યોગ્ય નિકાલ કરાવે તેવી માંગ ઉઠવા પામી છે.