શહેરા,મોરવા(હ)તાલુકાના મોરા ગ્રામ પંચાયત દ્વારા સર્વે નં-218/3માં આવેલા ગામના મુખ્ય તળાવની માપણી કરવા માટે જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી ખાતે ફી ભર્યા બાદ પણ 9 મહિના સુધી માપણી થઈ ન હતી. ગ્રામ પંચાયત કચેરીના તલાટી અને સરપંચ દ્વારા તળાવની માપણી વહેલી થાય તે માટે અનેક રજુઆત કરવામાં આવ્યા બાદ પણ તળાવની માપણી નવ મહિના સુધી નહિ થતાં મામલતદાર સહિતના સંબંધિત તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરવા(હ)તાલુકાના મોરા ગામના મુખ્ય તળાવને અડીને આવેલી જમીનમાં બાંધકામ થતાં ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય તળાવની માપણી કરવા માટે જિલ્લા નિરીક્ષકની જમીન દફતરની કચેરી ખાતે રૂ.5400 ફી ભરી હતી. ગ્રામ પંચાયત દ્વારા તળાવની માપણી થાય તેવી આશા સાથે ફી ભર્યા બાદ સરપંચ અને તલાટી દ્વારા જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી ખાતે તળાવણી માપણી કયારે કરવા આવશે તે અનેક વખત પુછતા આવીશુ તે જ જવાબ મળતો હતો. જુન 2022માં માપણી થાય તે માટે ગ્રામ પંચાયત કચેરી દ્વારા રૂપિયા ભર્યા હતા તેમ છતાં 9 મહિના સુધી આ તળાવની માપણી થઈ ન હતી. આખરે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી દ્વારા ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર મામલતદારને તળાવની માપણી વહેલી થાય તે માટે ભલામણ કરવા માટે જણાવવામાં આવ્યુ હતુ. જોકે જિલ્લા નિરીક્ષક જમીન દફતર કચેરી ખાતે માપણીની ફી ભર્યા બાદ પણ નવ મહિના સુધી આ તળાવની માપણી કરવા માટે કયા કારણોસર નહિ આવતા અનેક સવાલો ગ્રામજનોમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો.