ચંડીગઢ,પંજાબ અને હિમાચલ બોર્ડર પર આવેલું નાંગલ શહેરમાં ગુરુવારે પીએસીએલ ફેક્ટરીમાંથી ગેસ લીક થયો હતો. ગેસ લીક થવાને કારણે નાના બાળકો અને કેટલાક લોકોને ગળામાં દુખાવો અને માથાનો દુખાવો થયો હતો, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે આ માહિતી આપી હતી. મળતી માહિતી મુજબ નજીકની શાળાના ૩૫ બાળકો પણ તેની ઝપેટમાં આવી ગયા છે. તંત્રએ સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે.
સાવચેતીના પગલારૂપે શાળાના બાળકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસ અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ નાંગલ પહોંચી રહ્યા છે. અન્ય વિભાગો અને આરોગ્ય વિભાગની ટીમોને પણ બોલાવવામાં આવી છે. જે જગ્યાએ ગેસ લીક થયો હતો ત્યાં ૩૦૦ થી ૪૦૦ લોકો સતત હાજર હોય છે.
આ અકસ્માત રોપર જિલ્લા મુખ્યાલયથી ૨૫ કિમી દૂર નાંગલમાં થયો હતો. હાલ ઘટનાસ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. આ પહેલા પંજાબના શિક્ષણ મંત્રી હરજોત સિંહ બેન્સે ટ્વીટ કરીને તેમણે ટ્વિટર પર ટ્વીટ કર્યું. જેમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિને જોતા વિસ્તારની તમામ એમ્બ્યુલન્સને સ્થળ પર રવાના કરી દેવામાં આવી છે. તે પોતે પણ ત્યાં પહોંચી રહ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ ગેસ લીકેજ થવાના કારણે નાના બાળકો અને કેટલાક લોકોને ગળામાં દુ:ખાવો, માથાનો દુખાવો વગેરેની તકલીફ થઈ હતી, જેમને નજીકની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.