સજાતીય લગ્નને કાયદેસર કરવાની માગ પર સુનાવણી:સજાતીય લગ્નને માન્યતા આપવાનો રાજસ્થાન,આંધ્ર, આસામનો વિરોધ

નવીદિલ્હી,સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા મુદ્દે રાજસ્થાન,આંધ્રપ્રદેશ અને આસામ સરકારે પોતાનો વિરોધ નોંધાવ્યો છે.સુપ્રીમકોર્ટે બુધવારે ૯મા દિવસે આ મુદ્દે દલીલો સાંભળી હતી. કેન્દ્ર સરકારે ૧૮ એપ્રિલે રાજ્ય સરકારોને આ અંગે પત્ર લખી પોતાની પ્રતિક્રિયા આપવા જણાવ્યું હતું. જે અન્વયે ચીફ જસ્ટિસ DY ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ રાજ્યોનો પક્ષ રાખવામાં આવ્યો હતો.

આંધ્રપદેશ સરકારે પોતાના જવાબમાં કહ્યું કે પોતે ધાર્મિક ગુરુઓ,સંતો પાસે અભિપ્રાય માંગ્યો હતો પરંતુ તમામે સમલૈંગિક વિવાહને કાનૂની માન્યતા આપવા મુદ્દે વિરોધ કર્યો છે.રાજ્ય સરકાર ફક્ત સમલૈંગિક જ નહીં પરંતુ એલજીબીટીક્યુઆઇએ સમુદાયનાં લગ્નને માન્યતા આપવાના પણ વિરોધમાં છે.

આસામે કહ્યું કે સમલૈંગિક અને એલજીબીટીક્યુઆઇએ સમુદાયનાં લગ્નને કાનૂની માન્યતા આપવાથી પ્રવર્તમાન લગ્નપ્રથા અને અંગત કાયદાઓની માન્યતા પર અનેક સવાલ ઊભા થશે.વિવાહ એ સામાજિક માન્યતા છે,તેથી તેને માત્ર કાયદાકીય રીતે ના જોવું જોઇએ.

સામાજિક ન્યાય વિભાગના અહેવાલને ટાંક્તા રાજસ્થાન સરકારે જણાવ્યું કે રાજ્યના સામાજિક ન્યાય વિભાગના રિપોર્ટ મુજબ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાથી સામાજિક સંતુલન અસ્તવ્યસ્ત થઇ જશે. તેનાથી સામાજિક અને પારિવારિક વ્યવસ્થા પર અસર પડશે. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર્સે પોતાના રિપોર્ટમાં નોંધ્યું  છે કે સમલૈંગિક વિવાહ જનભાવનાની વિરુદ્ધ છે.રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું કે જો જનમત તેના પક્ષમાં હશે તોપણ એ વિધાનસભા પર નિર્ભર છે કે તેની પર કાયદો બનાવવો કે નહીં ? જોકે સરકારને સમલૈંગિકોની સાથે રહેવા પર કોઇ આપત્તિ નથી.મહારાકષ્ટ્ર,યુપીએ સમય માંગ્યો : સમલૈંગિક લગ્ન પર પોતાનો પક્ષ રજૂ કરવામાં મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ,મણિપુર અને સિક્કીમે થોડોક વધુ સમય આપવાની માંગ કરી છે.

સુનાવણી દરમિયાન રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે કહ્યું કે લિંગ બદલાઇ શકે છે,પરંતુ માતા અને માતૃત્વ નહીં.આયોગે વિવિધ કાયદાઓને ટાંક્તા કહ્યું કે બાળકને દત્તક લેવું મૌલિક અધિકાર નથી તેવું ઘણા ચુકાદાઓમાં જણાવ્યું છે. જેના પર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે ભારતીય કાયદો વૈવાહિક સ્થિતિની પરવાહ કર્યા વિના એકલી રહેતી વ્યક્તિને પણ બાળક દત્તક લેવાની મંજૂરી આપે છે. આ પહેલાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને હટાવવાની માંગ કરતી અરજીને બેન્ચે ફગાવી દીધી છે.