અસિત મોદીને રોશન ભાભીએ આપ્યો પડકાર:એકટ્રેસે વીડિયો શેર કરીને કહ્યું કે, ‘મારા મૌનને મારી નબળાઈ ન સમજતા….

કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. ગુરુવારે શોમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીની ભૂમિકા નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રી બંસીવાલે અસિત મોદી પર જાતીય સતામણીના ગંભીર આરોપો લગાવ્યા છે.

હાલમાં જ જેનિફરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસના હાવભાવ પરથી જ ખબર પડે છે કે, તે ઘણી નારાજ છે અને ન્યાય ન મળે ત્યાં સુધી ચૂપ નહીં રહે. તેણી વીડિયોમાં કહે છે કે, ‘મારા મૌનને મારી નબળાઈ ન સમજતા, ભગવાન સાક્ષી છે એક દિવસ સત્ય બહાર આવશે.’ એક્ટ્રેસની આ પોસ્ટ પર ફેન્સનો સપોર્ટ પણ મળી રહ્યો છે. ફેન્સ કહી રહ્યા છે કે, `તે દુઆ કરે અને આશા રાખે જરૂર ન્યાય મળશે.’

જેનિફરે કહ્યું, ‘છેલ્લા ઘણા સમયથી મારી સાથે આવું થઈ રહ્યું છે, પરંતુ અસિત, તેની પુત્રી અને પરિવારને કારણે અત્યાર સુધી હું ચૂપ રહી હતી. 2019માં મેં મારા કો-સ્ટાર્સને આ જાતીય સતામણી વિશે જણાવ્યું હતું, એ સમયે તેમણે મને ટેકો આપ્યો હતો, પરંતુ આજે મારા પતિ અને મારાં સાસરિયાં સિવાય કોઈ મારા સમર્થનમાં નથી.’

હકીકતમાં, 2019થી જ્યારે અમે શૂટિંગ માટે સિંગાપોર ગયાં હતાં ત્યારથી અસિત મારી સાથે ગેરવર્તન કરી રહ્યા છે. ઘણી વખત તેઓ હોટલના રૂમમાં આવવાનું પણ કહેતા હતા, પછી જ્યારે હું ના પાડતી ત્યારે તેઓ કહેતા હતા કે, તે મજાક કરી રહ્યા છે. લોકો સામે મારા હોઠ વગેરેની પ્રશંસા પણ કરતા હતા. મને પર્સનલ મેસેજ કરતા હતા, જેને હું ઇગ્નોર કરતી તો આડકતરી રીતે મારો સંપર્ક કરતા હતા, મેં કેટલીવાર ના પાડી હતી. મેં જેટલી વાર ના પાડી એટલી તેમણે મને વધારે હેરાન કરી છે.’

પ્રોડક્શન હેડ સોહિલ રામાણી અને જતીન બજાજનું કહેવું છે કે ‘તે સમગ્ર ટીમ સાથે અવારનવાર ગેરવર્તન કરતી હતી. શૂટિંગમાંથી જતી વખતે તે રસ્તામાં ઊભેલા લોકોની પરવા કર્યા વિના બેફામ સ્પીડે કાર હંકારીને ચાલી ગઈ હતી. તેણે સેટની પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું. અમારે શૂટિંગ વખતે તેનાં આવાં ખરાબ વર્તન અને ગેરશિસ્તને કારણે તેનો કોન્ટ્રેક્ટ રદ કરવો પડ્યો. આ સમગ્ર બનાવ વખતે અસિતજી અમેરિકામાં હતા. હવે તે પાયાવિહોણા આક્ષેપો કરીને અમારી બદનક્ષી કરવાનો પ્રયાસ કરી રહી છે. તેના પાયાવિહોણા આક્ષેપો સામે અમે સંબંધિત સત્તાધીશો સમક્ષ ​​​​​​અમારી ફરિયાદ દાખલ કરી દીધી છે.’