ચીનની અવળચંડાઈ:કૈલાસ યાત્રાની ફી બે ગણી વધારી દીધી

કાઠમંડુ,અવળચંડાઈ કરવા માટે કુખ્યાત ચીને ભારતીયો માટે કૈલાસ-માનસરોવર યાત્રા અઘરી થઈ પડે તેવા આકરા અને કડક નિયમો લાગુ કર્યા છે. ચીને ૩ વર્ષ પછી વિઝા આપવાનું શરૂ કર્યું છે પરંતુ યાત્રા માટેનાં વિવિધ ભાડાં પણ બે ગણા જેટલાં વધારી દીધાં છે. એટલું જ નહીં, યાત્રિકો નેપાળથી કોઈ વર્કર કે હેલ્પરને સાથે લઈ જાય તો વધારાના ૩૦૦ ડૉલર એટલે કે રૂ. ૨૪ હજાર ચૂકવવાના રહેશે. યાત્રા દરમિયાન કૈલાસ પર્વત આસપાસના ઘાસને નુક્સાન થતું હોવાથી આ વધારાના ભાડું ‘ગ્રાસ ડેમેજિંગ ફી’ નામથી વસૂલવાનો ચીને મનસ્વી નિર્ણય કર્યો છે. નવા નિયમોને કારણે ઑક્ટોબર સુધી થનારી યાત્રા માટે બહુ ઓછા લોકો રસ દાખવી રહ્યા છે.

ચીને ઘડેલા કેટલાક અવિચારી નિર્ણયોને કારણે યાત્રા કરવાનું મુશ્કેલ થઈ ગયું છે. ચીનના તઘલખી નિર્ણય પ્રમાણે યાત્રાળુઓએ કાઠમંડુ બેઝ પર જ યુનિક આઇડેન્ટિફિકેશન કરાવવું પડશે. આ માટે ફિંગર્સ માર્ક્સ અને આંખનું સ્કેનિંગ કરાવવું પડશે.

નેપાળી ટૂર ઓપરેટરોના કહેવા પ્રમાણે વિદેશી યાત્રાળુઓ, ખાસ કરીને ભારતીય યાત્રાળુઓને આવતાં રોકવા માટે આ જટિલ નિયમો ઘડાયા છે. ‘ધ કાઠમંડુ પોસ્ટ’ પ્રમાણે નેપાળના મુખ્ય ૩ ટૂર ઓપરેટરે ચીનના રાજદૂત ચેન સાંગને આ નિયમો પાછા ખેંચવા રજૂઆત કરી છે. નેપાળના ટૂર ઓપરેટરો માટે કૈલાસ-માનસરોવર યાત્રા બહુ મોટો બિઝનેસ છે. નવા નિયમો અને વધારેલાં ભાડાં સાથે ટૂર ઓપરેટર રોડ ટ્રિપ માટે વ્યક્તિ દીઠ ઓછામાં ઓછા રૂ. ૧.૮૫ લાખ વસૂલે છે જ્યારે વર્ષ ૨૦૧૯માં રૂ. ૯૦ હજારનું પૅકેજ હતું.

માનસરોવર યાત્રા માટે અડચણરૂપ નવા નિયમો

વિઝા લેવા માટે યાત્રાળુઓને વ્યક્તિગત રીતે હાજર રહેવું પડશે. ઓનલાઇન અરજી નહીં સ્વીકારાય. એટલે કે પહેલાં ચીનના દૂતાવાસના ધક્કા ખાવા પડશે. ત્યાર પછી કાઠમંડુ કે અન્ય બેઝ કેમ્પ પર જઈને બાયોમેટ્રિક ઓળખની પ્રક્રિયા પૂરી કરવી પડશે.

વિઝા મેળવવા માટે હવે ઓછામાં ઓછા ૫ લોકો હોવા જોઈશે. તેમાંથી ૪ જણાએ ફરજિયાતપણે વિઝા માટે જાતે પહોંચવું પડશે.

તિબેટમાં પ્રવેશ કરનારા નેપાળી શ્રમિકોને ‘ગ્રાસ ડેમેજિંગ ફી’ તરીકે ૩૦૦ ડૉલર આપવાના રહેશે. યાત્રાળુ ગાઇડ, હેલ્પર, કુલી કે રસોઈયા તરીકે વર્કરને તિબેટ લાવતા હોવાથી આ ખર્ચ પણ યાત્રીએ જ કરવાનો રહેશે.

કોઈ વર્કરને સાથે રાખવા માટે પ્રવાસ ફી પેટે ૧૫ દિવસના રૂ. ૧૩૦૦૦ પણ ચૂકવવા પડશે. પહેલાં માત્ર રૂ. ૪૨૦૦ હતી.

યાત્રાનું આયોજન કરનારા નેપાળી ટૂર ઓપરેટરોએ ચીની સરકાર પાસે ૬૦,૦૦૦ ડૉલર જમા કરાવવા પડશે. આમાં સમસ્યા એ છે કે નેપાળી ટ્રાવેલ એજન્સીઓને વિદેશની બેંકોમાં રૂપિયા જમા કરવાની મંજૂરી નથી. આ સ્થિતિમાં આ ફી કેવી રીતે ટ્રાન્સફર થશે એની કોઈ સ્પષ્ટતા નથી.