ટાપુ દેશ ટોંગામાં ૭.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, અફઘાનિસ્તાનમાં પણ આંચકા અનુભવાયા

ફૈઝાબાદ,દક્ષિણ પ્રસાંત મહાસાગર સ્થિત ટાપુ દેશ ટોંગામાં મોડી રાત્રે ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે ટોંગાના હિહિફોથી ૯૫ કિમી પશ્ર્ચિમ ઉત્તર-પશ્ર્ચિમમાં ૭.૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્ર પૃથ્વીથી ૨૧૦.૧ કિમીની ઊંડાઈ પર નોંધાયુ હતું. યુએસ સુનામી વોર્નિંગ સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂકંપ બાદ સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. હાલ ભૂકંપના કારણે કોઈ જાનહાનિની થઈ નથી.

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ અંગે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે રિક્ટર સ્કેલ પર ૪.૫ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે વહેલી સવારે અંદાજે ૫.૫૧ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપમાં પણ કોઈ જાનહાનિના થઈ નથી.