ગોધરાના મેશરી નદી માંથી ચોમાસા પૂર્વે ઝાડી-ઝાંખરા દુર કરી નદીને ઉંડી કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને રજુઆત

ગોધરા,ગોધરાના મધ્ય માંથી પસાર થતી મેશરી નદીમાં ગંદકી અને ઝાડી-ઝાંખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુંં છે. ત્યારે નદીમાં ઉગી નિકળેલ ઝાડી ઝાંખરા દુર કરી નદીને ઉંડી કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ.

ગોધરા શહેરની મધ્ય માંથી મેશરી નદી પસાર થાય છે. આ નદીમાં ભુતકાળમાં સવાર-સાંજે લોકો ફરવા આવતા હતા. સાથે ઉનાળાની સીઝનમાં નદીની ઠંડકમાં લોકો બેસીને ઠંડક મેળવતા હતા પરંતુ હાલમાં મેશરી નદીમાં ઉગી નિકળેલ ઝાડી-ઝાંખરા તેમાં પણ ગંદા પાણીને લઈ નદીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ઝાડી-ઝાંખરાને લઈ નદીમાં ચોમાસાની સીઝનમાં પાણીના પ્રવાહ વધતા પાણીમાં ઉભા થતા અવરોધને લઈ નદી કિનારા વિસ્તારના લોકોના ધરોમાં પાણી ભરાઈ જતાં આર્થિક નુકશાન વેઠવું પડતું હોય છે. મેશરી નદી પ્રતિદિન છીછરી થતી જાય છે. ત્યારે નદીની ઉંડાઈ વધારવામાં આવે તે જરૂરી છે. હવે જ્યારે ચોમાસાની સીઝન નજીક છે. ત્યારે મેશરી નદી માંથી ઝાડી-ઝાંખરા દુર કરી નદીને ઉંડી કરવા માટે જીલ્લા વહીવટી તંત્ર અને પાલિકા કાર્યવાહી કરે તે જરૂરી છે. તેવી માંગ સાથે ગોધરા પાલિકાના માજી સભ્ય દ્વારા જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરાઈ છે.