પુતિને યુક્રેનના નેતાઓને નાઝી કહ્યા, કહ્યું- પશ્ર્ચિમી દેશો આપણને ખતમ કરવા માગે છે

મોસ્કો,રશિયામાં આજે વિજય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે સોવિયેત સંઘે બીજા વિશ્ર્વયુદ્ધમાં નાઝી જર્મનીને હરાવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્રેમલિનથી રેડ સ્ક્વેર પહોંચ્યા જ્યાં પરેડ યોજાઈ હતી. વિજય દિવસ પર પોતાના ૧૦ મિનિટના ભાષણ દરમિયાન પુતિને કહ્યું – નાઝીઓની હારના ૭૮ વર્ષ બાદ રશિયા અને આખી દુનિયા ફરી એક વખત ખતરામાં છે. રશિયા સામે યુદ્ધ શરૂ થઈ ગયું છે.

પુતિને યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધની તુલના નાઝીઓ સાથેના યુદ્ધ સાથે કરી હતી. તેમણે કહ્યું- યુક્રેનના નેતાઓ વિશ્ર્વના નવા નાઝી છે. યુક્રેન યુદ્ધે વૈશ્ર્વિક સમુદાયને બ્રેકિંગ પોઈન્ટ પર લાવી દીધો છે. રશિયા ભવિષ્યમાં શાંતિ સ્થાપવા માગે છે, પરંતુ પશ્ર્ચિમી દેશો ઇચ્છતા નથી. તેઓ સતત લોકોમાં નફરત અને રુસોફોબિયા (રશિયા સામે નફરત અને ડર) ને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેઓ ફક્ત આપણા દેશને બરબાદ કરવા માગે છે. યુક્રેનિયન નાગરિકો પશ્ર્ચિમી દેશોની દુષ્ટ યોજનાઓના ગુલામ બની ગયા છે.

છ દેશો કે જેઓ એક સમયે સોવિયેત સંઘનો ભાગ હતા તેમણે પણ વિજય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. કઝાકિસ્તાન, કિગસ્તાન, આર્મેનિયા, ઉઝબેકિસ્તાન, તાજિકિસ્તાન અને બેલારુસના નેતાઓ પુતિન સાથે દેખાયા હતા. દરેક વ્યક્તિએ રેડ સ્ક્વેર પર બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન મૃત્યુ પામેલા રશિયન સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી.

આ દરમિયાન ૧૨૫ સૈન્ય વાહનો અને ૧૦,૦૦૦ રશિયન સૈનિકોએ પરેડ કરી હતી. તેમાં રશિયાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ અને જી-૪૦૦ મિસાઇલ સિસ્ટમ પણ સામેલ હતી. જોકે, થોડા દિવસો પહેલા ક્રેમલિન પર થયેલા ડ્રોન હુમલાને જોતા આ વર્ષે પરેડમાં કોઈ સૈન્ય લાયપાસ્ટ કાઢવામાં આવ્યું નથી. ભાષણની શરૂઆતમાં પુતિને પરેડમાં ભાગ લેવા બદલ તમામ સાથી દેશોનો આભાર માન્યો હતો. ત્યારબાદ તેમણે બીજા વિશ્ર્વયુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોની યાદમાં એક મિનિટનું મૌન પાળવાની જાહેરાત કરી હતી. પુતિને કહ્યું- દેશ માટે તેના સૈનિકો યુદ્ધનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે. મને તે સૈનિકો પર ગર્વ છે જેઓ યુક્રેનમાં રશિયાના વિશેષ સૈન્ય અભિયાનનો ભાગ છે. રશિયાનું ભવિષ્ય આ સૈનિકો પર નિર્ભર છે.

આ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયાની તુલના નાઝીઓ સાથે કરી હતી. યુરોપ ડેના અવસર પર એક વીડિયો સંદેશ જાહેર કરતા ઝેલેન્સકીએ કહ્યું હતું કે – જે રીતે બીજા વિશ્ર્વયુદ્ધમાં નાઝીઓની હાર થઈ હતી તેવી જ રીતે રશિયાને પણ આ યુદ્ધમાં હારનો સામનો કરવો પડશે. ત્યારે આપણે સાથે મળીને દુષ્ટતાનો અંત લાવ્યો હતો તેમ હવે પણ કરીશું. રશિયા નવી બુરાઈઓને પ્રોત્સાહન આપી રહ્યું છે, પરંતુ અમે તેમને નાઝીઓની જેમ ખતમ કરીશું.