
અમદાવાદ,સીબીએસઇ બોર્ડ પરિણામની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટી અપડેટ બહાર આવી છે. બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સીબીએસઇ બોર્ડના નોટિફિકેશનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સીબીએસઇ બોર્ડ ૧૦મા-૧૨માનું પરિણામ ૧૧ મે, ૨૦૨૩ના રોજ આવશે. જો કે બોર્ડના સત્તાવાર નિવેદન મુજબ આ નોટિફિકેશન નકલી છે. બોર્ડે કહ્યું છે કે હવે વિદ્યાર્થીઓએ સત્તાવાર જાહેરાતની રાહ જોવી જોઈએ.
જ્યારથી સીબીએસઇ બોર્ડની ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાઓ પૂરી થઈ છે, ત્યારથી પરીક્ષામાં હાજર રહેલા ૩૮ લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમના પરિણામની રાહ જોઈ રહ્યા છે. હવે આ સૂચના સામે આવ્યા બાદ વિદ્યાર્થીઓમાં સંશયનો માહોલ ઉભો થયો છે. ઘણા વિદ્યાર્થીઓનું કહેવું છે કે અગાઉ પણ એવું જોવા મળ્યું છે કે સીબીએસઈની જાહેરાત પહેલાં જ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પરિણામની તારીખ સાથે જોડાયેલી માહિતી લીક થઈ ગઈ છે.
જો કે બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામની તારીખ અને સમય અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. એકવાર પરિણામ જાહેર થઈ ગયા પછી, ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ સીબીએસઈની અધિકૃત વેબસાઇટ પર જઈને તેમના પરિણામો ચકાસી શકશે.