- પોલીસ સ્ટેશનમાં ૨૦ મિનિટ સુધી ભાજપ-સપા સમર્થકો વચ્ચે ઝપાઝપી ચાલી.
અમેઠી,અમેઠીમાંથી સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહની દાદાગીરીનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં તે ગૌરીગંજ પોલીસ સ્ટેશનની અંદર ભાજપના નગરપાલિકા ઉમેદવાર રશ્મિ સિંહના પતિ દીપક સિંહને માર મારી રહ્યા છે. જ્યાં સુધી પોલીસે ધારાસભ્યને ન રોક્યા ત્યાં સુધી તેમણે અનેક થપ્પડ અને મુક્કા માર્યા. જમીન પર પાડીને પણ મારઝૂડ કરી છે. બીજી તરફ સપાના કાર્યકરોએ દીપક સિંહની કારની પણ તોડફોડ કરી હતી. પોલીસે કોઈક રીતે દીપકને રાકેશ પ્રતાપ સિંહના હાથમાંથી બચાવ્યા અને તેમને સુરક્ષિત સ્થળે લઈ ગયા. પરંતુ આ પછી પણ પોલીસ સ્ટેશનનો માહોલ થોડો સમય તંગ રહ્યો હતો. આ દરમિયાન બંને પક્ષોનું સમર્થન ઉગ્ર રહ્યું હતું.સપાના ધારાસભ્યએ ભાજપના ઉમેદવારના પતિને ઢસડીને નીચે પાડ્યા હતા. પોલીસકર્મીઓએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ફોટોમાં સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ ભાજપના ઉમેદવારના પતિને ખેંચતા જોવા મળે છે. પોલીસ સ્ટેશનમાં ૨૦ મિનિટ સુધી ભારે હોબાળો થયો હતો.
વાસ્તવમાં, મંગળવારે ગૌરીગંજના સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે આરોપ લગાવ્યો હતો કે દીપક સિંહના સમર્થકોએ તેમના મામાના પુત્ર અને અન્ય વ્યક્તિ સાથે મારઝૂડ કરી હતી. જેના કારણે તેને ગંભીર ઈજા થઈ છે. હજુ સુધી તેને હોશ પણ આવ્યો નથી. પોલીસ કેસ નોંધી રહી નથી. આરોપીઓની ધરપકડને લઈને સપા ધારાસભ્ય તેમના સમર્થકો સાથે ગઈકાલે રાત્રે ૮ વાગ્યાથી પોલીસ સ્ટેશનની અંદર ધરણા પર બેઠા હતા.
ભાજપના ઉમેદવાર રશ્મિના પતિ દીપક બુધવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યારે ધરણા પર બેઠેલા સપા ધારાસભ્ય બહાર આવ્યા ત્યારે તેઓ કારમાંથી નીચે ઉતરીને ઉભા હતા. તેમણે દીપકને પકડી લીધો અને તરત જ તેમને ઘણી થપ્પડ મારી. પોલીસકર્મીઓ ધારાસભ્યને રોક્તા રહ્યા. પરંતુ ધારાસભ્યે દીપકને પકડી લીધા અને તેમને જમીન પર પાડી લાત અને મુક્કા મારવા લાગ્યા. આ પછી ધારાસભ્ય અને ભાજપના સમર્થકો વચ્ચે મારામારી થઈ હતી. લગભગ ૨૦ મિનિટની લડાઈ બાદ પોલીસ બંને જૂથોને છોડાવ્યા. આ પછી સપા અને ભાજપના સેંકડો સમર્થકો પોલીસ સ્ટેશન પહોંચ્યા.
સપાના ધારાસભ્ય રાકેશ સિંહે જણાવ્યું કે દીપકના ગુંડાઓએ મારા મામાના પુત્રને માર માર્યો હતો. પોલીસ કાર્યવાહી કરતી નથી. ઘટના અંગે સપાના ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, મારા મામાના પુત્રને ગતરોજ ભાજપના ગુંડાઓએ ખૂબ માર માર્યો હતો. તેના હાથ-પગમાં ફ્રેક્ચર થયું છે. તેને માથામાં ઈજા થઈ છે. આ કારણે તે હજુ ભાનમાં નથી આવ્યો. હું પોલીસ સ્ટેશન આવ્યો અને પોલીસને આ લડાઈનો વીડિયો બતાવ્યો.
આ પછી આરોપીઓની ધરપકડની માગ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે કંઈ કર્યું નહીં. કેસ પણ ન નોંધ્યો . અમેઠીમાં ગુંડાઓ ખુલ્લેઆમ ફરે છે. પોલીસ તેમને પકડી રહી નથી. ટોચના ૧૦ ગુનેગારો પણ મુક્તપણે ફરતા હોય છે. પોલીસ મને અને મારા પરિવારને મારવા માગે છે. દીપક સિંહે કહ્યું, પહેલા સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર જીવલેણ હુમલો કર્યો. આ પછી ધારાસભ્યએ અંદર માર્યો.
બીજેપી ઉમેદવાર રશ્મિના પતિ દીપક સિંહે કહ્યું, હું બરના ટીકરથી પરત આવ્યા બાદ પોલીસ સ્ટેશન સામેથી પસાર થઈ રહ્યો હતો. જ્યારે હું પોતાનો બચાવ કરવા માટે પોલીસ સ્ટેશનની અંદર ગયો ત્યારે ત્યાં પહેલાથી જ હાજર સપા ધારાસભ્ય રાકેશ પ્રતાપ સિંહ અને તેમના સમર્થકોએ હુમલો કર્યો. મને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો.