સંજેલી,સંજેલી મામલતદાર કચેરીના કમ્પાઉનડમાં ગેટ પર જ અરજદારોને અરજી સહિતના કામકાજ માટે કામ કરી રહેલા પીટીશન રાઈટરના ટેબલો તેમજ ખુરશીની તોડફોડ કરી હતી. ત્યારે આ મામલે રોષ ફાટી નીકળતા કાયદેસરની કાર્યવાહી કરવા મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.
સંજેલી તાલુકા સેવાસદન ખાતે મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં ગેટ પર જ સાત જેટલા પીટીશીયન રાઈટર તાલુકાના અરજદારોને પડતી સમસ્યા અને મુશ્કેલીઓને લઈને અરજી સોગંદનામાં નોટરી સહિતની કામગીરી કરવા માટે સવારથી સાંજ સુધી બેસી રહે છે. ત્યારબાદ પોતાના ટેબલ-ખુરશીઓ સ્થળ પર જ મુકી અને રાત્રિ દરમિયાન ધરે જતા રહે છે. છેલ્લા બે-ત્રણ માસથી અવાર નવાર નાની મોટી તોડફોડ કરાતા અગાઉ પણ મામલતદારને તેમજી પોલીસ મથકે રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ વિઘ્ન સંતોષીઓ જાણે બેફામ બન્યા હોય તેમ રાત્રિ દરમિયાન જીઆરડી હોમગાર્ડનો પહેરો તેમજ પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં પણ તાલુકાના કમ્પાઉન્ડમાં આવુ નુકસાન કરવામાં આવતુ હોય જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે. સાથે સાથે મામલતદાર કચેરીના વોચમેનનો પહેરો હોવા છતાં આવારા બેફામ બનેલા તત્વોએ ગેટમાં ધુસી અને ખુરશીઓની તોડફોડ કરી નાંખી હતી. ટેબલોના લોક તોડી અને દસ્તાવેજો રફેદફે કરી નાંખ્યા હતા. મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં પીટીશીયન રાઈટર ટેબલ ખુરશીઓને નુકસાન કરનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે સંજેલી મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.