સંજેલી કબ્રસ્તાન રોડ પર સ્ટ્રીટ લાઈટ અને ગંદકીના મુદ્દે રજુઆત

સંજેલી,સંજેલી કબ્રસ્તાન તરફ જવાના માર્ગ પર સ્ટ્રીટ લાઈટ નાંખવી તેમજ રોડ પર થયેલા ગંદકીના ઢગલા દુર કરવા ટીડીઓને લેખિત રજુઆત કરવામાં આવી હતી.

સંજેલી પુષ્પ સાગર તળાવ કિનારે તમામ ધર્મના ત્રિમંદિર આવેલા છે તેમજ ઓવરફલો ધાટ તરફ મુસ્લિમ સમાજનુ કબ્રસ્તાન આવેલુ છે. પુષ્પ સાગર તળાવ કિનારે આવેલા મંદિરોથી કબ્રસ્તાન તરફ જવાના મુખ્ય માર્ગ પર તળાવ કિનારે રોડ પર જ ગંદકીના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. તેમજ શોભાના ગાંઠિયા સમાન ઉભેલા પોલ પર સ્ટ્રીટલાઈટ નાંખવામાં આવતી નથી. જેના કારણે મુસ્લિમ સમાજમાં રાત્રિ દરમિયાન કોઈ મરણનો થાય તો અંધારામાં જનાજાને લઈ જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ગંદકીના કારણે આસપાસના લોકોને તેમજ મંદિરે પુજા-અર્ચના કરતા ભકતોને અને વોકિંગ માટે વહેલી સવારે નીકળતા લોકો સહિતને ગંદકીની ભારે હાલાકી વેઠવી પડે છે. તેમજ સ્ટ્રીટલાઈટ બંધ હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ-તલાટીને વારંવાર રજુઆતો કરવા છતાં પણ ઘ્યાન દોરવામાં આવતુ નથી. જેને લઈને મુસ્લિમ સમાજના પ્રમુખ મુખ્તારભાઈ ડોકીલા, ટ્રસ્ટી આરીફ અયુબ ચામડિયા દ્વારા તાત્કાલિક ગંદકી દુર કરી સ્ટ્રીટ લાઈટ નાંખવાની માંગ સાથે લેખિત રજુઆત કરવામાં આવી છે.