પેલેસ્ટાઇન,ગાઝા પટ્ટીમાં ઈઝરાઇલના હવાઈ હુમલામાં ૧૨ લોકો માર્યા ગયા હતા. તે જ સમયે ૨૦ લોકો ઘાયલ થયા છે. હમાસ દ્વારા નિયંત્રિત સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ માહિતી આપી હતી. અહેવાલો અનુસાર, પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદી મૂવમેન્ટના ટોચના ૩ કમાન્ડર અને તેમના પરિવારના સભ્યો મૃતકોમાં સામેલ છે. ઈઝરાઇલની સેનાએ પણ આ ઓપરેશનની પુષ્ટિ કરી છે. એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે હુમલા દરમિયાન પેલેસ્ટાઈનના ઈસ્લામિક જેહાદીઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ હુમલો સોમવારે સવારે ૨ વાગ્યાની આસપાસ થયો હતો.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર, ગાઝા પટ્ટીમાં સોમવારે થયેલો હુમલો આશ્ર્ચર્યજનક હુમલો હતો. તેમાં ફાઈટર જેટ સહિત ૪૦ એરક્રાફ્ટ સામેલ હતા. જેમણે થોડીક સેકન્ડમાં ત્રણ જગ્યાએ હુમલો કરવાનો હતો.
એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું કે ઇઝરાઇલ સંરક્ષણ દળોએ પ્રારંભિક હુમલામાં તેમનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી લીધો હતો. આ અભિયાનને ઓપરેશન ’શિલ્ડ એન્ડ એરો’ નામ આપવામાં આવ્યું હતું. દળોનો ઉદ્દેશ્ય માત્ર ટાર્ગેટને હિટ કરવાનો જ નહીં પરંતુ સુરક્ષિત રીતે પરત ફરવાનો પણ હતો. હુમલા પહેલા, વિસ્તારના ૪૦ કિલોમીટરની અંદર રહેતા ઇઝરાઇલીઓને બોમ્બ આશ્રયસ્થાનોમાં મોકલવામાં આવ્યા હતા.
અલજઝીરાના અહેવાલ મુજબ મૃત્યુ પામેલા ૧૨ લોકોમાંથી ૩ ટોચના કમાન્ડરોની પત્નીઓ અને બાળકો હતા. તે જ સમયે, એક ૫૮ વર્ષીય વ્યક્તિનો પણ સમાવેશ થાય છે, જે ૧૧ બાળકોનો પિતા હતો. ઈઝરાઇલની આ કાર્યવાહી પર જેહાદી સંગઠને બદલો લેવાની વાત કરી છે. સંગઠને એક નિવેદન જાહેર કરીને કહ્યું- ઈઝરાયેલને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે. વિસ્ફોટનો બદલો વિસ્ફોટથી લેવામાં આવશે અને હુમલાનો બદલો હુમલાથી લેવામાં આવશે.
સોમવારે ગાઝા પટ્ટીમાં કરવામાં આવેલ ઓપરેશન ઈઝરાઇલની જવાબી કાર્યવાહી હતી. હકીક્તમાં, ગયા અઠવાડિયે ઇઝરાઇલની જેલમાં ભૂખ હડતાલ પર એક પેલેસ્ટિનિયનનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ ઈઝરાઇલના સરહદી વિસ્તારમાં પેલેસ્ટાઈન તરફથી ઘણા રોકેટ છોડવામાં આવ્યા હતા.
પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ સંગઠન ૧૯૮૧માં બનાવવામાં આવ્યું હતું. તેની શરૂઆત ઇજિપ્તમાં અભ્યાસ કરતા પેલેસ્ટિનિયન છોકરાઓએ કરી હતી. તે વેસ્ટ બેંક, ગાઝા અને ઈઝરાઇલના કબજા હેઠળના વિસ્તારો પર પેલેસ્ટાઈનનો કબજો ઈચ્છે છે. ઈઝરાઇલ આ સંગઠનને ઈરાનનું સાથી ગણાવે છે. જેઓ ઇઝરાઇલનો નાશ કરવા માગે છે. પેલેસ્ટાઈનને સ્વતંત્રતા અપાવનાર અન્ય મોટા સંગઠનોની સરખામણીમાં ઈસ્લામિક જેહાદ સંગઠન નાનું છે. તેને ઈરાન પાસેથી ભંડોળ મળે છે.