
અમદાવાદ,\દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના સામે ફોજદારી કેસ ચાલશે. અમદાવાદની કોર્ટે દિલ્હીના એલજીની અરજી ફગાવી દીધી છે. જેમાં તેમણે ડેપ્યુટી ગવર્નર તરીકે તેમને મળેલી ઈમ્યુનિટીનો ઉલ્લેખ કરીને ફોજદારી ટ્રાયલમાંથી મુક્તિ માંગી હતી. અમદાવાદની કોર્ટમાં એડિશનલ મેટ્રોપોલિટન જજ પીએન ગોસ્વામીએ સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી. સક્સેના પર ૨૦૦૨માં અમદાવાદના સાબરમતી આશ્રમમાં સામાજિક કાર્યર્ક્તા મેધા પાટકર પર હુમલો કરવાનો આરોપ છે.
જ્યારે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે ક્રિમિનલ ટ્રાયલમાંથી મુક્તિની માગણી કરી ત્યારે સામાજિક કાર્યકર મેધા પાટકરે તેનો વિરોધ કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ રાજ્યપાલ નથી અને તેઓ મુક્તિના હકદાર નથી. પાટકર વતી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે દિલ્હીના એલજી માત્ર રાષ્ટ્રપતિના એજન્ટ છે. આવી સ્થિતિમાં તેમને બંધારણના અનુચ્છેદ ૩૬૧ જેવી ઇમ્યુનિટી ન આપવી જોઈએ. એડિશનલ મેટ્રોપોલિટન જજ પી એન ગોસ્વામીએ સુનાવણી બાદ સક્સેનાની અરજી ફગાવી દીધી હતી.
કોર્ટની અરજી ફગાવવા પર હવે તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. સક્સેના ઉપરાંત, હાલમાં અમદાવાદ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમિત શાહ અને અમિત ઠાકર, એડવોકેટ રાહુલ પટેલ પણ આ કેસમાં આરોપી છે. ૨૧ વર્ષ બાદ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં આ કેસની સુનાવણી શરૂ થઈ છે. જ્યાં ટ્રાયલમાં આરોપો ઘડવાના છે. જેમાંથી ભાજપના બંને ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટાયા છે.