ટ્રમ્પ સામે મહાભિયોગ પર વોટિંગ થશે, સ્પીકરે ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા માટે જોખમી ગણાવ્યા

કેપિટલ હિલ હિંસાને લઇને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી સતત વધી રહી છે. અમેરિકી સંસદમાં ટ્રમ્પ સામે મહાભિયોગની કાર્યવાહી શરુ થઇ ગઇ છે. બુધવાર એટલે કે આવતી કાલે મહાભિયોગના આ પ્રસ્તાવ પર બંને સદનમાં વોટિંગ કરવામાં આવશે. જેના માધ્યમથી મહાભિયોગ માટેના આરોપ તૈયાર કરવામાં આવશે.

પ્રતિનિધિ સભામાં બુધવારે મહાભિયોગ પહેલા એક અન્ય પ્રસ્તાવ પર મતદાન કરશે. સોમવારે સંસદમાં જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે કે કેપિટલ હિલ પર થયેલા હૂમલા માટે તેમણે પોતાના સમર્થકોને ઉશ્કેર્યા હતા.

પ્રસ્તાવમાં ટ્રમ્પને દૂર કરવા માટે ઉપ રાષ્ટ્રપતિ માઇક પેંસે અને કેબિનેટ સામે અપીલ કરી છે કે તેઓ 25મા બંધારણીય સંશોધને વાગુ કરે. આ વાતનો ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના સંસદોએ વિરોધ કર્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે જો આ અંગે અમલ ના થયો તો બુધવારે મહાભિયોગ પ્રસ્તાવ પર ચર્ચા શરુ થશે અને સાંજના સમયે વોટિંગ શરુ થશે.

અમેરિકી પ્રતિનિધિ સભાના સ્પીકર અને ડેમોક્રેટ નેતા નેન્સી પેલોસીએ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે જોખમી છે. માટે આપણા બંધારણ અને લોકતંત્રની રક્ષા માટે તરત પગલા લેવા પડશે.

ઉલ્લેખનીય છે કે ઉપ રાષ્ટ્રપતિ માઇક પેંસએ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. કેપિટલ હિલ હિંસા બાદ પહેલી વખત ટ્રમ્પ અને માઇક પેંસની મુલાકત થઇ છે. એક અધિકારીએ કહ્યું કે બંને વચ્ચે સારી ચર્ચા થઇ છે. ટ્રમ્પનો જે કાર્યકાળ બચ્યો છે તેમાં સાથે મળીને કામ કરશે.