ડ્રેગને રંગ બંદલ્યો:પાકિસ્તાનને જંગી દેવામાં ધકેલી ચીને પઠાણી ઉઘરાણી શરૂ કરી

ઈસ્લામાબાદ,આર્થિક તંગી સામે ઘૂંટણિયે પડેલા પાકિસ્તાનને મોંઘું કરજ આપ્યા પછી ચીને ડોળા કાઢવાનું શરૂ કર્યું છે. પાકિસ્તાને ચીન પાસેથી લીધેલા ૨.૨૨ લાખ કરોડ રૂપિયાના કરજ સામે દર વર્ષે ૨.૫ લાખ કરોડ રૂપિયાનો હપતો ચુકવવો પડે છે. લગભગ સાડા ચાર ગણાના દરે પાકિસ્તાન દેવું ચૂકવે છે. પાકિસ્તાનની મુલાકાતે આવેલા ચીનના વિદેશ મંત્રી ચિન ગોન્ગે પહેલી વાર આર્મી ચીફ આસિમ મુનીર અને વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોને રાજકીય પરિસ્થિતિમાં સત્વરે સુધારો કરવા ચેતવણી આપી છે.

ગોન્ગે ચેતવણી આવી હતી કે જો પાકિસ્તાનમાં રાજકીય સ્થિરતા અને આર્થિક વિકાસની ગાડી પાટા પર નહીં આવે તો ચીનને રોકાણ માટે ફરી વિચાર કરવો પડશે. ગોન્ગના આકરા વલણથી ગભરાયેલી પાકિસ્તાની સરકારે ફજેતીથી બચવા માટે બિલાવલ અને ગોન્ગની પ્રેસ કોન્ફરન્સમાં ગોન્ગના જવાબોનું જીવંત પ્રસારણ કર્યું નહોતું. બિલાવલના જવાબોનું જ જીવંત પ્રસારણ કરાયું હતું. ચીનના દેવા પર પાકિસ્તાનની નિર્ભરતાની સ્થિતિ એવી છે કે આઇએમએફ બેલઆઉટ પૅકેજના ૫૩ હજાર કરોડ રૂપિયામાંથી ૨૪ હજાર કરોડના ગૅરન્ટી મનીમાં પણ ચીનનો મોટો ભાગ છે.

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાહમાં બની રહેલા ૩૨ હજાર કરોડ રૂપિયાના ડાસુ ડેમ મુદ્દે ચીને ચેતવણી આપી છે. ચીનના સાઇટ ઇજનેરોનું કહેવું હતું કે મજૂરો નમાજ પઢવામાં બહુ સમય લગાડે છે. આ અંગે એન્જિનિયરો સામે જ ઈશનિંદાનો આરોપ લગાડી ફરિયાદ કરી હતી. ખૈબરમાં ૨૦૨૧માં બસ પર થયેલા હુમલામાં ચીનના ૯ ઇજનેરોની હત્યા થઈ હતી.

ચીનની દેવાની જાળમાં ફસાયેલા પાકિસ્તાન માટે અમેરિકાની ઉપેક્ષા વધુ એક મોટો ફટકો છે. ૨૦૨૧માં અફઘાનિસ્તાનમાંથી ગયા પછી અમેરિકાએ પાકિસ્તાન સાથે સંબંધનો લગભગ અંત લાવી દીધો હતો. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને બિલાવલે અમેરિકાની યાત્રા કરી લીધી છે પણ બાઇડેન સરકારના કોઈ અધિકારી પાકિસ્તાન નથી આવ્યા. અમેરિકાએ સ્વીકારી લીધું છે કે પાકિસ્તાન ચીનનો સાથ નહીં છોડે.

ઇસ્લામાબાદના સેન્ટર ફોર રીસર્ચ એન્ડ સિક્યોરિટી રીસર્ચના નિર્દેશક અમ્તિયાઝ ગુલના કહેવા પ્રમાણે પાકિસ્તાનમાં ઑક્ટોબરમાં ચૂંટણી પહેલાં ચીનની રાજકીય સ્થિતિમાં સુધારાની ચેતવણી મોટો અલાર્મ છે. ખાડે ગયેલા પાકિસ્તાને સત્વરે કાંઈક કરવું પડશે. રાજકીય વિશ્લષક મારિયાના બાબર કહે છે કે એપ્રિલમાં આર્મી ચીફ તરીકે આસિમ મુનીર વિદેશ યાત્રા દરમિયાન બેઇજિંગ પહોંચ્યા ત્યારે ચીન શીખામણ આપી ચૂક્યું છે.