નવીદિલ્હી,આંતરરાષ્ટ્રીય મહિલા રેસલર વિનેશ ફોગાટનું સાસરિયું ખેડા બખ્તા ગામના મહિલા અને વૃદ્ધો હવે તેમની વહુના સમર્થનમાં આગળ આવ્યા છે. ગામના લોકો ટૂંક સમયમાં દિલ્હી સ્થિત જંતર મંતર પહોંચશે. ગ્રામજનોએ હરિયાણાના જીંદ જિલ્લાના ખેડા બખ્તા ગામમાં એક બેઠકનું આયોજન કર્યું હતું અને નિર્ણય લીધો હતો કે, જ્યાં સુધી તેઓ તેમની પુત્રવધૂ વિનેશ ફોગટને ન્યાય નહીં મળે, ત્યાં સુધી તેમના સમર્થનમાં ઊભા રહેશે.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે, પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણની ધરપકડ કરી નથી. જો આરોપીની જલ્દી ધરપકડ કરવામાં નહીં આવે, તો પુરા ગામ આખું દિલ્હીના જંતર-મંતર પર પહોંચી જશે અને વિનેશ ફોગટને ન્યાયની લડાઇમાં સમર્થન કરશે. આ માટે તેમને ગમે તેટલા વર્ષો સુધી સંઘર્ષ કરવો પડે, તેઓ તૈયાર છે. ખેડા બખ્ટાના સરપંચ પૂનમ અને અન્ય મહિલાઓએ જણાવ્યું હતું કે, તેઓ વિનેશને એકલી નહીં છોડે.
આ મહિલાઓએ એક જ અવાજમાં જણાવ્યું હતું કે, જ્યારે વિનેશ ફોગાટ ન્યાય માટે ખેલાડીઓ સાથે જંતર-મંતર પર એકલી બેસી શકે છે, ત્યારે તેઓ પણ તેમના બાળકો સાથે જંતર-મંતર પહોંચીને તેમનું સમર્થન કરશે. મહિલા સરપંચે જણાવ્યું હતું કે, તેની બહેનને આજે પોતાની માંગ માટે ધરણા પર બેસવું પડ્યું છે, તે કોઈ ગામની વહુ નથી, પરંતુ આખા દેશની દીકરી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેઓ જીત્યા બાદ મેડલ લાવે છે, ત્યારે તે જ દેશ તેમના સન્માનમાં ઉભો રહે છે, પરંતુ આજે જ્યારે તેમના અધિકારો માટે લડવાની વાત આવે છે, ત્યારે સરકાર તેમનું શોષણ કરી રહી છે.