દિયરનો દુષ્કર્મનો પ્રયાસ ડેસરમાં શાકમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવી પરિવારને ખવડાવી સુવડાવી દીધો

  • ભાભીના માથામાં ચાર વખત હુમલો કરી લોહી લૂહાણ કરી નાંખી હતી.

વડોદરા,હવસખોર દિયરે ભાભી સાથે દુષ્કર્મ આચરવા માટે ભાઈ અને પરિવારના અન્ય સભ્યોને પનીરમાં ઘેનયુક્ત પદાર્થ નાંખી ખવડાવી દીધું હતું. ઘેનયુક્ત પનીરનું શાક ખાવાથી પરિવારજનો સૂઇ ગયા બાદ ભાભી સાથે દુષ્કર્મ આચરવાનો દિયરે પ્રયાસ કર્યો હતો. જો કે, ભાભીએ દિયરને લાત મારી પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા દિયરે ખાંડણીના માથામાં ચાર ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગેની ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે ડેસર તાલુકાની ૨૩ વર્ષીય પરિણીતા ઉષા (નામ બદલ્યું છે)ના ઘરે તેનો ૨૫ વર્ષીય દિયર પ્રતિક (નામ બદલ્યું છે) ગયો હતો. બે દિવસ પહેલાં પ્રતિકે ભાભી ઉષા સાથે પોતાની હવસ સંતોષવા માટે પનીરનું શાક ઘરે લાવ્યો હતો અને તેમાં ઘેનયુક્ત પદાર્થ ભેળવી દીધો હતો.

દરમિયાન પ્રતિક પોતાની ભાભી ઉષા સાથે પોતાની હવસ સંતોષવા માટે ઘેનયુક્ત પનીરનું શાક ઉષાના પતિ સહિત પરિવારના ચાર વ્યક્તિઓને ખવડાવી દીધું હતું. ઘનયુક્ત પનીરનું શાક ખાધા બાદ ઉષાનો પતિ સહિત ચારેય વ્યક્તિઓ સૂઇ ગયા હતા. દરમિયાન રાત્રે ૧ વાગ્યાના સુમારે હવસખોર પ્રતિક ઘરની બહાર સૂઇ રહેલી ભાભી ઉષા પાસે પહોંચી ગયો હતો.

નિંદ્રાધિન ભાભી ઉષાને પકડતા જ ઉષા ઉઠી ગઈ હતી. ત્યારે હવસખોર દિયર પ્રતિકે ભાભીને જણાવ્યું હતું કે, મારે તારી સાથે દુષ્કર્મ કરવું છે. ગભરાયેલી ભાભી ઉષાએ દિયરને લાત મારી દૂર ફંગોળી દીધો હતો. દરમિયાન રોષે ભરાયેલા પ્રતિક ખાંડણી લઈ આવ્યો હતો અને ભાભીના માથામાં ચાર વખત હુમલો કરી લોહી લૂહાણ કરી નાંખી હતી.

પ્રતિકે ખાંડણીથી હુમલો કરતા ગંભીર રીતે ઈજા પામેલી ઉષાએ બૂમાબૂમ કરતા પતિ સહિત પરિવારજનો ઉઠી ગયા હતા. જો કે, પરિવારના સભ્યો આવે તે પહેલાં પ્રતિક ગામમાંથી ફરાર થઈ ગયો હતો. બીજી બાજુ પતિ પત્ની ઉષાને હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. સવારે આ બનાવની જાણ ગામમાં થતાં ચકચાર મચી ગઈ હતી. બીજી બાજુ આ બનાવ અંગેની જાણ ડેસર પોલીસને થતાં પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી અને પ્રતિકના હુમલાનો ભોગ બનેલી ઉષાની ફરિયાદ લીધી હતી. નોંધનીય છે કે, દિયરના હુમલાનો ભોગ બનેલી ઉષા હાલ સારવાર હેઠળ છે.

ડેસર પોલીસ મથકના પીએસઆઇ એ.એમ. પરમારે જણાવ્યું હતું કે, ડેસર પોલીસે ફરિયાદના આધારે હવસખોર હુમલાખોર પ્રતિક સામે હત્યાનો પ્રયાસ, છેડતી તેમજ કેફી પદાર્થ ભેળવવા સહિતનો ગુનો દાખલ કરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે. આરોપી ઝડપાયા બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.