મહિસાગર,મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદરડેમમાં જળસ્તર તળિયે જતાં રહેતા માત્ર 8.24 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે. પાણી ઓછું થતાં ખેડૂતોને સિંચાઇ માટે આપવામાં આવતું પાણી કેનાલમાં છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. માવઠાના માર પછી ખેડૂતો માટે વધુ એક વખત મુશ્કેલ સ્થિતિના કારણે આગામી સમય ખેડૂતો અને પશુપાલકો માટે કપરો બનવાના એંધાણ વર્તાઇ રહ્યા છે, એક તરફ ભર ઉનાળે ભારે વરસાદ વચ્ચે કુદરત પણ ખેડૂતો સાથે ખો-ખો રમે છે તો બીજી તરફ સરકાર પણ ખો-ખો રમે છે. ત્યારે સરકાર દ્વારા માવઠા અને પાણીની અછત હોય તેવા વિસ્તાર માટે ખેડૂતોને સહાય થાય તેવી નવી નીતિ બનાવવા માંગ ઉઠી રહી છે.
મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમની હાલની સપાટી 112.20 મીટર છે પાણીનો જથ્થો સ્ટોરેજ 2550 મિલિયન ક્યુબિક મીટર છે. જ્યારે ટકાવારીમાં ડેમમાં હાલમાં માત્ર 8.24 ટકા પાણી શેષ બચ્યું છે. ડેમ ખાલી થતા ભાદર કેનાલ કરવામાં બંધ આવી ખેડૂતોને પિયત માટે પાણી નહિ મળે. ભાદર ડેમ મારફતે કુલ ત્રણ તાલુકામાં પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાં વીરપુર,ખાનપુર અને લુણાવાડા તાલુકાઓ નો સમાવેશ થાય છે ત્રણ તાલુકાની કુલ 2400 હેકટર જમીનમાં પિયત માટે પાણી આપવામાં આવે છે. જોકે, ગત વર્ષની સ્થિતિ જોઈએ તો આ સમયગાળામાં ભાદર ડેમ 9.32 ટકા ભરેલો હતો તેમજ તેની સપાટી 112.65 મીટર હતી. સ્ટોરેજમાં 2885 મેટ્રિક ક્યુબિક મીટર ડેમમાં પાણીનો જથ્થો ભરેલો હતો અને કેનાલ 21/03/2022નાં રોજ બંધ કરવામાં આવી હતી. આ વર્ષે બે મહિના વધુ પાણી છોડવામાં આવ્યું. જોકે હજી પણ વિસ્તારના ખેડૂતોને બાજરી, મગ, જુવાર,મકાઈ અને ઘાસચારાના પાકોમાં પાણીની જરૂરિયાત છે, પણ ડેમ ખાલી થતા પિયત માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. આ વર્ષે ઉનાળુ ખેતીમાં માવઠાએ નુકસાન કર્યું છે. ઉપરાંત ડેમમાં પાણી પણ ઓછું થયું છે, ત્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. સરકાર દ્વારા હાલ માવઠાથી અસરગ્રસ્તો માટે સર્વે શરૂ કરાયો છે, પરંતુ તેના નીતિનિયમોના કારણે અનેક તાલુકો બાકાત રહી જાય છે. ત્યારે છૂટાછવાયા વરસાદના નુકસાન અંગે સરકાર કોઈ નવી નીતિ બનાવી ખેડૂતોને સહાય કરે તેવી માંગ ઉઠી રહી છે.