દાહોદ જીલ્લા શિક્ષણાધિકારીના લાંચ કાંડમાં કોર્ટમાં રજુ કરતાં બે દિવસના રિમાન્ડ.

દાહોદ,દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. 1 લાખની લાંચ લેતાં ગોધરા એ.સી.બી. પોલીસના હાથે રંગે હાથ ઝડપાઈ ગયાં બાદ આજરોજ તેઓને દાહોદની કોર્ટમાં રજુ કરતાં કોર્ટ દ્વારા તેઓના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા એક શિક્ષકના બદલીના કાગળો કરી આપવા માટે શિક્ષક પાસેથી રૂા. 1 લાખની લાંચ લેતાં ગોધરા એ.સી.બી. પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જીલ્લા શિક્ષણ આલમમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે એ.સી.બી. પોલીસે મયુર પારેખના ગોધરા ખાતેના બે રહેણાંક મકાન, તેઓની મેડીકલ સ્ટોર્સ સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું, પરંતુ કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવી ન હતી ત્યારે આજરોજ મયુર પારેખને દાહોદની કોર્ટમાં હાજર કરવામાં આવ્યાં હતા. જેમાં પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી પરંતુ કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતાં. દાહોદ જીલ્લા શિક્ષણાધિકારી રૂા. 1 લાખની લાંચ લેતાં ઝડપાઈ જવાના બનાવ બાદ દાહોદ જીલ્લાના શિક્ષણ આલમમાં સ્તબ્ધતા મચી જવા પામી છે. શિક્ષણ જગતમાં અનેક ચર્ચાઓએ પણ ભારે જોર પકડ્યું છે. દાહોદ જીલ્લાનું શિક્ષણ આમેય દિન પ્રતિદિન કથળી રહ્યું છે, તેની પાછળ મુખ્ય કારણે ક્યાંકને ક્યાંક લાંચીયા અધિકારીઓના કારણે શિક્ષણ મામલે દાહોદ જીલ્લો હાલ પણ પાછળ રહેતું આવ્યું છે. ત્યારે દાહોદ જીલ્લા શિક્ષણાધિકારીની ખુરશી પર હવે કોઈ પરિપક્વ અધિકારીને ખુરશી સોંપવામાં આવે તેવી લાગણી અને માંગણી જીલ્લાવાસીઓમાં ઉઠવા પામી છે.