દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયાની ખડદા (ઉંચી ચાછડ) જંગલ વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાનો મૃતદેહ મળી આવતા ચકચાર

  • સગીરાના પિતા દ્વારા જીલ્લા પોલીસ વડાને ન્યાય માટે લેખિત રજૂઆત : સગીરાનું અપહરણ કરી લઈ જનાર યુવક તથા તેના પરિવારજનોએ સગીરાને મોતને ઘાટ ઉતારી હોવાના સગીરાના પિતાના આક્ષેપો.

દાહોદ,દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ગાંગડી ફળિયાની ખડદાના (ઉચી ચાછડ) જંગલ વિસ્તાર માંથી એક 14 વર્ષીય સગીરાનો મૃતદેહ એક ઝાડ સાથે ટંગાયેલ અને કોહવાઈ ગયેલ હાલતમાં મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સંબંધે મૃતક સગીરાના પિતા દ્વારા દાહોદ જીલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી પોતાની દીકરીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર યુવક તથા તેના પરિવારજનોએ મારી નાખી ઝાડ પર લટકાવી દીધાના આક્ષેપો સાથે જીલ્લા પોલીસવડા સમક્ષ ન્યાયની માંગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધાનપુર તાલુકાના ગાંગરડી ફળિયા, મીનામા ફળિયા વિસ્તાર ખાતે રહેતા મેડા મંગળસિંહ મનસુખભાઈની 14 વર્ષીય દીકરી રીંકુબેનનો મૃતદેહ ધાનપુર તાલુકાના ગાંગડી ફળિયાની ખડદાના (ઉચી ચાછડ) જંગલ વિસ્તારમાંથી એક ઝાડ પર લટકેલી હાલતમાં અને કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ધાનપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે નજીકના દવાખાને મોકલી આપ્યો હતો. ત્યારે મૃતક સગીરાના પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો અને આ મામલે સગીરાના પિતા મેડા મંગળસિંહ મનસુખભાઈ દ્વારા દાહોદ જીલ્લા પોલીસ વડાને કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવ્યા અનુસાર, ધાનપુર તાલુકાના આંબાકાચ ગામે રહેતો જેનુલભાઈ રતનાભાઇ મોહણીયાએ મૃતક રીંકુબેનને ગત તારીખ 4 એપ્રિલ 2023ના રોજ લગ્નની લાલચે, પત્ની તરીકે રાખવા રીંકુબેનનું અપહરણ કરી લઈ નાસી ગયો હતો અને ચંદ્રાભાઈ, હિમરાજભાઈ અને વલીયાભાઈ મકનાભાઈનાઓએ સગીરાને ભગાડવામાં જેનુલભાઈને મદદગારી કરી કરી હોવાના આક્ષેપો સગીરાના પિતા દ્વારા કરવામાં આવ્યા છે. આ મામલે સગીરાના પિતા દ્વારા ધાનપુર પોલીસ મથકે જે તે સમયે ફરિયાદ પણ નોંધાવી હતી. ત્યારે ધાનપુર પોલીસે યુવક વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરી તેને છોડી મૂક્યો હોવાનો સગીરના પિતાએ આક્ષેપો કર્યા હતા. ત્યારે બે દિવસ પૂર્વે એટલે કે તારીખ 7 મેના રોજ રીંકુબેનનો મૃતદેહ ધાનપુર તાલુકાના ગાંગડી ફળિયાની ખડદાના (ઉચી ચાછડ) જંગલ વિસ્તાર માંથી એક ઝાડ પર લટકેલી હાલતમાં અને કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક સગીરાના પિતાએ આક્ષેપો કર્યા હતા કે, અપહરણ કરનાર ઉપરોક્ત યુવક તથા તેના સાગરીતોએ પોતાની દીકરીને મારી નાખી અને ઝાડ પર લટકાવી દીધેલ છે, મારી દીકરી ઉપરોક્ત યુવક સાથે ભાગી ગઈ હતી. ત્યારે ધાનપુર પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરી મારી દીકરીને ભગાડી જનાર યુવકને છોડી મૂક્યો હતો, રીન્કુની લાશ જે સ્થળેથી મળી આવેલ છે, તે સ્થળે થોડે દૂર ઊંધો ખાડો ખોદવામાં આવેલ છે, લાશની આજુબાજુથી દારૂની બોટલો, બીડી અને એક પાવર બેંક પણ મળી આવેલ હતા. રીન્કુની લાશના પુરાવાનો નાશ કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. મૃતક સગીરા રીંકુબેન સાથે ગેંગરેપ થયા હોવાના આક્ષેપો પણ તેના પિતા દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર મામલે ઉપરોક્ત યુવક તથા તેના પરિવારજનો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સજા કરવામાં આવે તેવી સગીરાના પિતાએ માંગ કરી હતી અને જો પોતાને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે જવાની ચીમકી પણ દાહોદ જીલ્લા પોલીસવડાને આપવામાં આવેલ અરજીમાં જણાવ્યું છે.