ઘોઘંબાના અંતરિયાળ વિસ્તારના ખેડૂતો માટે બનાવવામાં આવેલ સિંચાઇ યોજના શોભાના ગાંઠિયા સમાન

ધોધંબા,પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગોયાસુંડલ, કાંટાવેડા, ભોજપુર સહિતના પાંચ થી છ ગામોમાં સિંચાઈ સુવિધા માટે બનાવવામાં આવેલી કેનાલ આજે શોભાના ગાંઠિયા સમાન બની છે. તરવારીયા ડેમ માં પાણી, ખેતરમાં કેનાલ અને ખેડૂતો પાસે પોતાની જમીન હોવા છતાં અહીં સિંચાઈ માટે પાણી નહિ મળતા સ્થાનિકોને મજબુર વશ થઈ રોજગારી માટે સ્થળાંતર કરવું પડે છે. અહીંના ત્રણ ગામ ના ખેડૂતોના દાવા મુજબ કેનાલ નિર્માણ બાદ માંડ બે કે ત્રણ વર્ષ પ્રારંભિક તબક્કામાં કેનાલમાં પાણી આવ્યું હતું. જેનાબાદ આજે 20 વર્ષ થયાં પાણીનું ટીપું કેનાલમાં આવ્યું નથી અને જાળવણીના અભાવે કેનાલ તદ્દન જર્જરિત બની ગઈ છે, જેથી સરકાર ના સંલગ્ન વિભાગના જવાબદારો કેનાલની યોગ્ય મરામત કરી અથવા નવીનીકરણ કરી સિંચાઈ સુવિધા પૂરી પાડે તો ઘર આંગણે સ્થાનિકો ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી શકે એમ છે.

ઘોઘંબા તાલુકાના તરવારીયા ખાતે આવેલા ડેમ માંથી ગોયાસુંડલ, કાંટાવેડા, ગુણેશિયા અને ભોજપુરા મળી કુલ પાંચ થી છ ગામમાં સિંચાઈ સુવિદ્યા પુરી પાડવા સરકાર દ્વારા એક યોજના અમલમાં મુકવામાં આવી હતી. આ યોજના થકી ખેતરમાં સિંચાઈ માટે પાણી મળવાની આશાથી ખેડૂતો હરખાઈ ગયા હતા. માત્ર ચોમાસા ની ખેતી આધારીત જીવન નિર્વાહ ચલાવતાં ખેડૂતોએ શિયાળા અને ઉનાળામાં પણ ખેતી થઈ શકશે એવા ભાવ સાથે હોંશે હોશે પોતાની મહામૂલી જમીન માંથી કેનાલ બનાવવા જમીન પણ આપી દીધી હતી. અંદાજીત 20 વર્ષ અગાઉ સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી અંદાજીત 400 હેકટર જમીનને સિંચાઈનું પાણી ખેતરોમાં પહોંચાડવા માટે અંદાજીત આઠ કિલોમીટર લાંબી કેનાલ બનાવવામાં આવી હતી. પ્રારંભિક તબક્કામાં આ કેનાલ મારફતે ખેડુતોને સિંચાઈ પાણી મળતાં જ ખુશ થઈ ગયા હતા, પરંતુ ખેડૂતોની આ ખુશી માંડ બે કે ત્રણ વર્ષ બાદ જાણે દિવા સ્વપ્ન સમી સાબિત થઈ અને આજદિન સુધી એજ સ્થિતિમાં રહી છે, સ્થાનિક ખેડૂતોના કહેવા મુજબ 20 વર્ષ માં માંડ એક કે બે વાર પાણી આવ્યું છે. જેના બાદ કેનાલમાં આજદિન સુધી પાણી આવ્યું નથી. જેના કારણે અહીંના ખેડૂતો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે રાજ્યના અલગ અલગ શહેરોમાં રોજગારી માટે જતા હોય છે.

તરવારીયા ડેમ આધારિત સિંચાઈ કેનાલ હાલ તદ્દન જર્જરિત હાલતમાં ફેરવાઈ ગઈ છે. અહીંના ખેડૂતોના જણાવ્યા મુજબ સમયાંતરે કરવામાં આવતું સમારકામ ગુણવત્તા સભર નહીં હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. ગોયાસુંડલના ખેડૂતોના આક્ષેપ મુજબ તેઓના ગામ પાસે કોતર માં પાઈપલાઈન બનાવવામાં આવી છે. જેમાંથી કેનાલનું પાણી લીકેજ થઈ નિરર્થક કોતરમાં વહી રહ્યું છે. જેથી અહીં કેનાલના એક કુવા માંથી બીજા કૂવામાં પાણી પહોંચી શકતું નથી અને જેથી આગળના ભાગમાં આવેલા ત્રણ થી ચાર ગામમાં કેનાલમાં પાણી પહોંચી શકતું નથી. ખેડૂતોની માંગ છે કે અહીં કોતરમાં બંને કુવાનું જોડાણ ઓવરહેડ બનાવવામાં આવે અને જર્જરિત કેનાલનું યોગ્ય સમારકામ કરવામાં આવે, જોકે આ સિંચાઈ યોજના મારફતે છેવાડાના ખેડૂતો સુધી પાણી મળી રહે એ માટે સરકાર દ્વારા કેનાલ નવીનીકરણ સહિતની કામગીરી બાબતે સરવે કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ત્યારે હવે જોવું રહ્યું કે, સરકારના લાખ્ખો રૂપિયા ખર્ચ કર્યા બાદ હાલ તળાવે ઉભા હોવા છતાં તરસ્યા જેવી દયનિય સ્થિતિમાં જીવન વ્યતીત કરી રહેલા ખેડૂતોને ક્યારે સિંચાઈ પાણીની સુવિધા ઉપલબ્ધ થશે.