સુરત,સુરતના મોટા વરાછામાં એક દુકાનદારનો કરંટ લાગતા ઝાડ પર જ મોત નીપજ્યું છે. દુકાનની ઉપર આવેલા ઝાડની ડાળીઓ કાપવા ઉપર ચડેલા દુકાનદારને ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી કરંટ લાગતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જીઇબીનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં ૩૪ વર્ષીય આશિષ પાઠક પરિવાર સાથે રહેતો હતો. મોટા વરાછા વિસ્તારમાં પાનની દુકાન ચલાવતો હતો. આશિષની દુકાન એક ઝાડની નીચે આવેલી છે. જોકે ,ઝાડને અમુક ડાળીઓ નડતી હોવાથી આજે આશિષ ઝાડની ડાળીઓ કાપવા માટે ઝાડ પર ચડ્યો હતો.
આશિષ ઝાડની ડાળીઓ કાપવા માટે કોઈપણ સાધન લીધા વિના જ ઉપર ચડ્યો હતો. જોકે, ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી અચાનક કરંટ લાગ્યો હતો અને ગંભીર રીતે દાઝી ગયો હતો. ઝાડ પર જ આશિષ લટકી જતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને બૂમાબૂમ થઈ ગઈ હતી.
સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ ફાયર વિભાગ અને જીઇબીને કરી હતી. ઘટનાની જાણ અને જેઈબી વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ ઝાડ પર લટક્તા આશિષને નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેઈબી દ્વારા વીજ લાઇનનો પાવર બંધ કર્યા બાદ વિભાગે આશિષને નીચે ઉતાર્યો હતો.
ઝાડ પરથી આશિષને નીચે ઉતાર્યા બાદ તપાસ કરતાં તેનું મોત થઈ ગયું અને જાણ થઈ હતી. જેથી આશિષને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પરિવાર પણ દોડી આવ્યો હતો. પરિવારના દીકરાનું મોત થતાં શોકમાં ગરકાવ થઈ ગયું છે.