વલસાડ,વાપીના રાતામાં ભાજપના ઉપ પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા ગયા હતા. ત્યારે બાઇક પર આવેલ અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી ઘટનાને અંજામ આપ્યો હતો. જે બાદ શખ્સો ફરાર થઈ ગયા હતા. જૂની અંગત અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના ઉપ પ્રમુખ શૈલેષ પટેલ દર સોમવારે પત્ની સાથે શિવ મંદિરે દર્શન કરવામાં આવતા હતા. ત્યારે આજે સવારે ૭.૧૫ની આસપાસ પત્ની સાથે મંદિરે પહોંચ્યા અને પત્ની મંદિરની અંદર ગયા જ્યારે શૈલેષ પટેલ ગાડીમાં જ બેસીને પત્નીની રાહ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક એક બાઈક તેમની ગાડી પાસે આવીને ઉભી રહી ગઈ. આ બાઈક પર ૪ શખ્સો સવાર હતા. શૈલેષ પટેલ કઈ સમજે તે પહેલાં જ શખ્સોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું. ૪ રાઉન્ડ ફાયરિંગમાં શૈલેષ પટેલને ત્રણ ગોળીઓ વાગી હતી. જ્યારે ચારેય શખ્યો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.
તેમના પત્ની જ્યારે મંદિરેથી દર્શન કરી ગાડી તરફ ગયા તો ગાડીના દરવાજા પર લોહી જ લોહી હતું. દરવાજો ખોલતા જ પતિને લોહીલુહાણ હાલમાં જોતા જ પત્નીએ ચીસાચીસ કરી મુકી હતી. ત્યારબાદ શૈલેષ પટેલને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓને થતા ઘટના સ્થળે ભાજપના આગેવાનો અને પોલીસનો કાફલો દોડી આવ્યો છે.
ઘટનાની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસ અને જિલ્લા ભાજપના અગ્રણીઓ ઘટના સ્થળે તાત્કાલીક પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું નિરીક્ષણ અને આજુબાજુના વિસ્તારમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એસસીબી એસઓજી સહિતની ટીમોએ હાલ તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળની આજુબાજુના વિસ્તરના CCTV ફૂટેજ પણ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, કોચરવા વિસ્તારમાં કોળી પટેલ જૂથના ૨ અલગ અલગ ગ્રૂપ વચ્ચે ઘર્ષણ વારંવાર થતા રહે છે. સ્થાનિક અગ્રણીઓ રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સ્થળ ઉપર આવે તેવી માંગ કરી રહ્યા છે.