ડ્રગ્સ લેવા બદલ ઈન્ડસ્ટ્રીમાંથી બે એક્ટર્સ પર પ્રતિબંધ:ડ્રગ્સ લેવાની ફરિયાદ બાદ હવે પોલીસ હવે ફિલ્મોના સેટ પર હાજર રહેશે

મુંબઇ,બોલિવૂડ બાદ હવે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ડ્રગ્સ લેતા એક્ટર્સના નામ સામે આવ્યા બાદ ચર્ચાન થઈ રહી છે. હાલમાં જ મલયાલમ નિર્માતા રંજીથે બે કલાકારો શેન નિગમ અને શ્રીનાથ ભાસી વિરુદ્ધ એસોસિએશનને ફરિયાદ કરી હતી કે તેઓ સેટ પર ડ્રગ્સ લેતા હતા. ફરિયાદ બાદ ફિલ્મ એસોસિએશને બંનેને ઈન્ડસ્ટ્રીમાંથી પ્રતિબંધિત કરી દીધા હતા.

હવે એસોસિએશન એવા કલાકારોના નામની યાદી આપી રહ્યું છે જેઓ સેટ પર ડ્રગ્સ લે છે. વિવાદ વકર્યા બાદ હવે પોલીસે તાકીદની બેઠક યોજી છે. તપાસ બાદ હવેથી પોલીસની એક ટીમ હંમેશા તપાસ માટે મલયાલમ ફિલ્મના સેટ પર હાજર રહેશે, જે એક્ટર્સ અને ડ્રગ્સ વેચનારાઓ સામે કાર્યવાહી કરશે.

કોચીના પોલીસ કમિશનર કે. સેતુ રામને રવિવારેઆ વાતની પુષ્ટિ કરી છે કે, પોલીસ વિભાગની એક ટીમ હંમેશા સેટ પર હાજર રહેશે અને તપાસ કરશે કે સેટ પર ડ્રગ્સનું સેવન કરવામાં આવે છે કે નહીં. જો તેમને ક્યાંયથી એવી લીડ મળે છે કે સેટ પર ડ્રગ્સ છે અથવા કોઈ તેને વેચી રહ્યું છે, તો ટીમ તરત જ તેમના પર દરોડા પાડશે.

રિપોર્ટ અનુસાર, કોચીના પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના ઉપયોગના વધતા જતા કેસોની ફરિયાદો બાદ એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમારી પાસે એવા લોકોનો ડેટા છે જેઓ આવા કેસમાં સંડોવાયેલા છે.

અમે જાણીએ છીએ કે કોણ ડ્રગ્સ લે છે, પરંતુ અમારી પાસે ડ્રગ ડીલરો વિશે નક્કર માહિતી નથી. જો અમે ડ્રગ યુઝર્સની તાત્કાલિક ધરપકડ કરીએ તો અમારે તેમને જામીન પર છોડવા પડશે. અમે ઈચ્છીએ છીએ કે આવા લોકોને ખ્યાલ આવે કે દવાઓ લેવી તેમના માટે નુક્સાનકારક હોઈ શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી, મલયાલમ ફિલ્મ ઉદ્યોગના કેટલાક જાણીતા નિર્માતાઓએ ફરિયાદ કરી હતી કે કેટલાક યુવા કલાકારો શૂટિંગ દરમિયાન સેટ પર ડ્રગ્સ લે છે. એક મીટિંગમાં નિર્માતા રંજીથે કહ્યું કે મલયાલમ અભિનેતા શેન નિગમ અને શ્રીનાથ ભાસીના વલણે તમામ હદો વટાવી દીધી છે અને હવે ફિલ્મ ઉદ્યોગમાંથી કોઈ તેમને સમર્થન કરશે નહીં. બંને ડ્રગ્સ લે છે અને સેટ પર ગેરવર્તન કરે છે. બંને ઘણીવાર સેટ પર મોડા આવે છે, જેના કારણે અન્ય કલાકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નિર્માતાની ફરિયાદ બાદ FEFKA (ફિલ્મ એમ્પ્લોઈઝ ફેડરેશન ઑફ કેરળ) અને કેરળ ફિલ્મ પ્રોડ્યુસર્સ એસોસિએશન દ્વારા અભિનેતા શેન નિગમ અને શ્રીનાથ ભાસીને મલયાલમ ફિલ્મ ઉદ્યોગમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ સિવાય પોલીસ તપાસમાં મદદ કરતી વખતે એસોસિએશને સેટ પર ડ્રગ્સ લેતા આવા કલાકારોની યાદી આપવાનું કહ્યું છે. કેરળ યુનિવર્સિટીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપનાર મલયાલમ ફિલ્મ ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ટીની ટોમે પણ કબૂલાત કરી હતી કે સેટ પર ડ્રગ્સ લેવામાં આવે છે. ડ્રગ્સના વધતા જતા કેસોને જોઈને તેણે પોતાના પુત્રને એક્ટર બનતા અટકાવ્યો, જેને તાજેતરમાં જ સારી ઓફર મળી હતી.

તેમણે કહ્યું, મારો એક જ દીકરો છે અને તાજેતરમાં તેને એક ફિલ્મમાં સારો રોલ મળ્યો છે. મારી પત્નીએ તેને આ ફિલ્મનો ભાગ બનવાની મંજૂરી આપી ન હતી કારણ કે આપણે બધા જાણીએ છીએ કે મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગના કેસમાં ઘણો વધારો થયો છે.

ટોમે પોતાના ભાષણમાં ડ્રગ્સ લેનાર વ્યક્તિનો પર્દાફાશ કર્યો હતો. તેણે કહ્યું, હું એક એવા અભિનેતાને સારી રીતે ઓળખું છું જે ડ્રગ એડિક્ટ છે. તેના દાંત તૂટવા લાગ્યા છે અને ટૂંક સમયમાં તેના શરીરના હાડકા પણ તૂટવા લાગશે.

જ્યારે તેઓ તે અભિનેતા વિશે ફરિયાદ કરે છે, ત્યારે લોકો તેમને એવું કહીને રોકે છે કે તે એક સારો અભિનેતા છે. ટીની ટોમે પુષ્ટિ કરી છે કે તે ટૂંક સમયમાં જ એજન્સીની સામે અભિનેતા વિરુદ્ધ નિવેદન નોંધાવશે.

કેરળના સંસ્કૃતિ અને ફિલ્મ મંત્રી સાજી ચેરિયને પણ આ મામલે નિરાશા વ્યક્ત કરી છે.