
મુંબઇ,આઇપીએલ ૨૦૨૩ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન માટે મિશ્ર સીઝન રહી છે. તેની ટીમે પણ પ્રથમ ૧૦ મેચમાંથી પાંચમાં જીત મેળવી હતી અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સિઝનના રનર અપ આ ટીમના કેપ્ટનનું ફોર્મ છેલ્લી કેટલીક મેચોથી ચિંતાનો વિષય હતો પણ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની ૧૧મી મેચમાં તેણે ૩૮ બોલમાં ૬૬ રનની ધમાકેદાર ઈનિંગ રમીને એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો. ખાસ વાત એ છે કે તેણે જે સ્થાન હાંસલ કર્યું છે તેમાં તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર કરતા પણ આગળ છે.
હૈદરાબાદ સામેની આ ઇનિંગમાં સંજુ સેમસને ૩૮ બોલમાં અણનમ ૬૬ રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે સંજુ સેમસન આઇપીએલમાં ૩૦૦ ચોગ્ગાની ક્લબમાં સામેલ થઈ ગયો. ગઇકાલની મેચમાં તેને તેના ૩૦૦ ચોગ્ગા પૂરા કર્યા હતા. એકંદરે આઇપીએલમાં આવું કરનાર તે ૨૨મો ખેલાડી બન્યો. આ સાથે જ આવું કરનાર ૧૬મો ભારતીય છે. આ યાદીમાં ભારતના શિખર ધવન ૭૩૯ ચોગ્ગા સાથે ટોચ પર છે. જ્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈના જેવા ભારતીય દિગ્ગજ ખેલાડીઓ પણ ટોપ ૫માં સામેલ છે.
ખાસ વાત એ છે કે સચિન તેંડુલકર આઇપીએલમાં સૌથી વધુ ચોગ્ગાના મામલે ૨૩માં નંબર પર છે, જેણે આ લીગમાં ૨૯૫ ચોગ્ગા ફટકાર્યા હતા. મતલબ કે સંજુ આ મામલે માસ્ટર બ્લાસ્ટર કરતા આગળ છે. એ દૃષ્ટિએ રાજસ્થાન રોયલ્સના કેપ્ટન માટે આ એક મોટી ઉપલબ્ધિ હોઈ શકે છે. સંજુ સેમસને આ લીગમાં કુલ ૧૪૯ મેચ રમી છે, જેમાંથી તેણે ૧૪૫ ઇનિંગ્સમાં ૩૮૩૪ રન બનાવ્યા છે. બીજી તરફ સચિન તેંડુલકરે કુલ ૭૮ આઈપીએલ મેચ રમી હતી જેમાં તેણે ૨૯ સિક્સ અને ૨૯૫ ફોર ફટકારી હતી.
સંજુ સેમસને આઇપીએલ ૨૦૨૩માં પોતાની ત્રીજી અડધી સદી ફટકારી હતી. અત્યાર સુધી તેણે ૧૧ મેચમાં ૩૦૮ રન બનાવ્યા છે. આ સિઝનમાં અત્યાર સુધીમાં તેણે ૨૨ ફોર અને ૧૯ સિક્સર ફટકારી છે. સમગ્ર સિઝનમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૫૦થી વધુ રહ્યો છે. આ સિઝનમાં તેની એવરેજ પણ ૨૮ રહી છે. આ ઇનિંગમાં અણનમ ૬૬ રન તેનો સૌથી મોટો સ્કોર હતો.