હિંસાને લઈ કેનેડા સર્તક, પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી

ટોરેન્ટો,કેનેડા સરકારે તેમના દેશના નાગરિકો અને ત્યાં રહેતા ભારતીયોને કહ્યું કે, જો તમે મણિપુર જવાનું વિચારી રહ્યા છો, તો તમારે રોકાઈ જવું જોઈએ. કારણ કે આ એક જોખમી નિર્ણય હોઈ શકે છે. રિપોર્ટ અનુસાર મણિપુર રાજ્યમાં ૩ મે ૨૦૨૩થી હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, જેના કારણે ત્યાંના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક અને જાહેર વાહનવ્યવહાર ખોરવાયો છે. જેના કારણે સરકારે ઘણા જિલ્લાઓમાં કફ્યું લગાવી દીધો છે. એક સપ્તાહ માટે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

કેનેડા સરકારે એમ પણ કહ્યું છે કે, જે લોકો પહેલાથી જ ત્યા છે, તો વિચારીલો કે ત્યા રહેવાની જરૂર છે કે કેમ. જો કે, કેનેડાએ જમ્મુ-કાશ્મીરને લઈને પણ આવી જ ચેતવણી આપી છે. કારણ કે, આતંકવાદ, ઉગ્રવાદ, નાગરિક અશાંતિ અને અપહરણના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ આ ચેતવણી કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ માટે નથી. એકંદરે, કેનેડાએ ત્યાં રહેતા લોકોને આ ભારતીય રાજ્યોની મુલાકાત લેતા પહેલા સાવચેતી રાખવાની સલાહ આપી છે.

તમને જણાવી દઈએ કે મણિપુરમાં મેઇતેઈ સમુદાયને એસટી કેટેગરીમાં સામેલ કરવાને લઈને છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યું છે. બુધવારે રાજ્યના ૮ જિલ્લામાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, જે જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે તેમાં કાકચિંગ, જીરીબામ, થૌબલ, ઇમ્ફાલ પશ્ર્ચિમ અને બિષ્ણુપુર અને આદિવાસી બહુલ ચુરાચંદપુર, કાંગપોકપી અને તેંગનોપલ જિલ્લાનો સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર, વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કથિત રીતે આદિવાસી નેતાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકો ભાજપ સરકાર દ્વારા આરક્ષિત અને સંરક્ષિત જંગલો અને વેટલેન્ડ જેવા સમાન વિસ્તારોના સર્વે સામે વાંધો ઉઠાવી રહ્યા છે. સ્વદેશી આદિજાતિ મંચે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે કોઈપણ વિચાર કર્યા વિના ચર્ચને પણ તોડી પાડ્યા હોવાનો આક્ષેપ છે.

મણિપુરમાં બહુમતી મેઇતેઇ સમુદાયને અનુસૂચિત જનજાતિ તરીકે સામેલ કરવાની માંગ સામે ૩ મેના રોજ એક સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન, મણિપુર દ્વારા આયોજિત ‘આદિજાતિ એક્તા માર્ચ’ને પગલે રાજ્યમાં હિંસા ફાટી નીકળી હતી. આ અચાનક હિંસાએ મણિપુરના ઘણા જિલ્લાઓને ઘેરી લીધા હતા. તાત્કાલિક પગલાં લેતા, સરકારે હિંસા પર કાબૂ મેળવવા માટે રાજ્યમાં આસામ રાઇફલ્સ અને સેનાના એકમોને તૈનાત કર્યા છે.