મારી સામેનો એક પણ આરોપ સાબિત થશે તો હું પોતાની જાતે ફાંસો ખાઈ લઈશ.: બૃજભૂષણ 

નવીદિલ્હી,છેલ્લા બે અઠવાડિયાથી ભારતીય કુશ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર ડબ્લ્યુએફઆઇના વડા બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી મામલે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન હવે બૃજભૂષણે એક વીડિયો જાહેર કર્યો છે. તેમનું કહેવું છે કે જો મારી સામેનો એક પણ આરોપ સાબિત થશે તો હું પોતાની જાતે ફાંસો ખાઈ લઈશ.

બૃજભૂષણ સિંહે કહ્યું કે તેમની વાત પણ લોકો સુધી પહોંચવી જોઈએ. આ જ કારણ છે કે તે આ વીડિયો બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે ‘આ જે મારા જ બાળકો મારા પર આરોપ લગાવી રહ્યા છે, આ ખેલાડીઓ એ દિવસ પણ જણાવી શકી રહ્યા નથી કે કયો દિવસ હતો કે કઇ તારીખ. હું જે લડાઈ લડી રહ્યો છું તે તમારા જુનિયર બાળકો માટે છે. આ ભૂતકાળના કુશ્તીબાજોને બધું જ મળી ચૂક્યું છે પરંતુ જેઓ ગરીબ પરિવારના બાળકો છે, હું તેમને કહેવા માંગુ છું કે આ લડાઈ તમારા બાળકો માટે છે.

બૃજભૂષણે કહ્યું કે ‘કોઈ પણ છોકરી જે રેસલિંગ કરે છે તેને પૂછવું જોઈએ કે શું આ આરોપો સાચા છે અને જો તે હા કહે છે તો પછી તમે જે ઈચ્છો તે કરો. આ મામલાની તપાસ પૂરી થશે કારણ કે હું મારી જાતને જાણું છું. ૧૨ વર્ષમાં મેં કોઈ બાળકને ખોટી નજરે જોયું નથી. હું ચાર મહિનાથી લોકોના અપશબ્દો સાંભળી રહ્યો છું. પહેલા દિવસે પણ મેં કહ્યું હતું કે એક પણ આરોપ સાબિત થાય તો હું ફાંસો ખાવા તૈયાર છું અને આજે પણ હું એ જ કહું છું.

તેમણે કહ્યું કે દિલ્હી પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે, તેથી તે અત્યારે આ મામલે વધારે બોલી શકું તેમ નથી. તેમણે કુશ્તીબાજોને પુરાવા બતાવવા કહ્યું. જ્યારે પણ તપાસનો રિપોર્ટ આવે ત્યારે એવું ન થવું જોઈએ કે જે લોકોએ કુશ્તીબાજોનું સમર્થન કર્યું તેમણે પસ્તાવો કરવો પડે.