પીએફઆઇ નેટવર્કને તોડવા માટે મેરઠ, ગાઝિયાબાદ અને બુલંદશહરમાં મોટી કાર્યવાહી

  • યુપી એસટીએફે મેરઠમાંથી ૨ની ધરપકડ.

લખનૌ,ઉત્તર પ્રદેશની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને પશ્ર્ચિમ ઉત્તર પ્રદેશમાં પ્રતિબંધિત (પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા) પીએફઆઇના સંગઠન ફરી સક્રિય થયા વિશે નક્કર ઈનપુટ મળ્યા હતા. આ ઈનપુટના આધારે એટીએસએ મેરઠની શાહજહાં કોલોનીમાં દરોડો પાડીને એક યુવકની ધરપકડ કરી છે . એટીએસએ આરોપીની ઓળખ શાહજહાં કોલોનીના રહેવાસી અતાઉર રહેમાન તરીકે કરી છે. આ ક્રમમાં એટીએસની ટીમે પીરવલીમાંથી સપા નેતા અબ્દુલ ખાલિકની પણ ધરપકડ કરી છે.

આ કાર્યવાહીમાં યુપી એટીએસએ રાજધાની લખનઉના બક્ષી કા તાલાબ વિસ્તારમાં દરોડા પાડીને બે લોકોની ધરપકડ કરી છે. આ બંન્ને લોકોની ધરપકડ અચરામૌ ગામમાંથી કરવામાં આવી છે. એટીએસએની ટીમ ગાઝિયાબાદ, બુલંદશહર અને શામલીના મોદીનગરમાં કાલચીનામાં પણ દરોડા પાડી રહી છે. જેમાં કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી છે અને કેટલાક સંવેદનશીલ દસ્તાવેજો પણ મળી આવ્યા છે.

સાદા કપડામાં પહોંચેલી એટીએસએની ટીમે અત્યાર સુધીમાં ૨ લોકોની ધરપકડ કરી છે, પરંતુ ગાઝિયાબાદ, શામલી અને બુલંદશહરમાં હજુ પણ દરોડા ચાલુ છે. બીજી તરફ મેરઠ પોલીસે જણાવ્યું કે લિસાડી ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સપા નેતા અબ્દુલ ખાલીક અન્સારી અને મવાનાના હીરા લાલ મોહલ્લામાં રહેતા મોહમ્મદ મુસાની પણ અટકાયત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અબ્દુલ ખાલીક અંસારી બુલંદશહરમાં સપાના મહાનગર અધ્યક્ષ રહી ચૂક્યા છે અને શનિવારે જ પત્નીની સારવાર માટે મેરઠ આવ્યા હતા. તેની પત્નીને કિડનીની બિમારી છે અને તે શહેરના મંગલપાંડે નગરના ડો. પાહવા પાસે સારવાર લઈ રહી છે. તેની ધરપકડ બાદ એટીએસની ટીમે મોહમ્મદ મુસાના પુત્ર યાસીનને ઝડપી લીધો હતો, જે હીરા લાલ મોહલ્લા, મવાનામાં રહેતો હતો.

સપા નેતા અબ્દુલ ખાલિકના પુત્ર ઝૈદના જણાવ્યા મુજબ, તે તેની માતાને ડૉક્ટરને બતાવ્યા પછી તેના કાકાના ઘરે પહોંચ્યો હતો, ત્યારે સાદા વોમાં એટીએસના માણસો પહોંચ્યા. તેઓએ પહેલા તેના પિતા વિશે પૂછ્યું અને તેની ઓળખ થતાં જ તેઓ તેને લઈ જવા લાગ્યા. તેના પરિવારજનોએ વિરોધ પણ કર્યો, પરંતુ ATSએ તેમની વાત સાંભળી નહીં. ઝૈદે જણાવ્યું કે તેણે તાત્કાલિક નજીકની પોલીસને જાણ કરી, પરંતુ પોલીસે પણ મદદ કરી નહીં. બીજી તરફ સીઓ કોતવાલી અમિત રાયે આ ધરપકડની પુષ્ટિ કરી છે. તેણે જણાવ્યું કે એટીએસની ટીમ લિસાડીગેટ પોલીસ સ્ટેશન આવી હતી. પીરવાલીમાં દરોડો પાડીને અહીંથી અબ્દુલ ખાલિકની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ પીએફઆઇ સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરવા આવી હતી. આ ક્રમમાં આ કાર્યવાહી કરવામાં આવી છે.