પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ભારતીય સૈન્યની મહત્ત્વપૂર્ણ માહિતી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામા આવી. તેને જેસલમેર જીલ્લાની પોખરણ ફાયરિંગ રેન્જ પાસે આવેલા લાઠી ગામથી દેશની ગુપ્તચર એજન્સીઓએ પૂછપરછ માટે કબજામાં લીધા બાદ ધરપકડ કરી હતી. આ વ્યક્તિની ઓળખ સત્યનારાયણ પાલીવાલ તરીકે કરવામા આવી છે. તેણે ખુલાસો કર્યો કે, પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISIએ તેને હની ટ્રેપ મામલે ફસાવી રાખ્યો હતો.
લાઈવ ચેટિંગ દરમિયાન આપતો હતો સૂચનાઓ
એક અહેવાલ અનુસાર સત્યનારાયણ સોશિયલ મીડિયા પર ISI સાથે જોડાયેલી ઘણી યુવતીઓ સાથે લાઈવ ચેટિંગ કરતો હતો. આ યુવતીઓ એક પછી એક કરી પોતાના કપડા ઉતારતી હતી અને સત્યનારાયણ પાસેથી દેશની સુરક્ષા સંબંધિત સિક્રેટ માહિતીઓ મેળવતી હતી. જોકે સૂચના આપવા બદલ સત્યનારાયણને કોઈ પૈસ મળ્યા નથી. તે સૈન્યના સિક્રેટ્સ અને અન્ય મહત્ત્વપૂર્ણ માહિતીએ 1 વર્ષથી વધુ સમયથી ISIને આપી રહ્યો હતો.
વિસ્તારમાં સારી ઓળખ ધરાવે છે આરોપી
લાઠી ગામ અને તેની આસપાસના વિસ્તારમાં સત્યનારાયણ પાલીવાલ નેતાજીના નામથી જાણીતો છે. લોકોએ જણાવ્યું કે, આ વિસ્તારમાં સત્યનારાયણ રાજકીય હસ્તક્ષેપ ધરાવતો હતો. એવામાં તે પોતાના કાળા કામ પણ પાર પડાવી લેતો હતો. તેની પર કોઈ શંકા વ્યક્ત કરી શકે તેમ નહોતું. કારણ કે તેની રાજકીય નેતાઓ અને પોલીસ તંત્રમાં સારી એવી ઓળખ હતી. આ જ કારણે પાક. એજન્સીઓની નજર તેની પર પડી અને તે ISIની મહિલા એજન્ટના હની ટ્રેપમાં ફસાઈ ગયો.
આરોપીના ભાઈની પત્ની રહી ચૂકી છે ગામની સરપંચ
સૈન્ય દ્વારા લાઠી ગામ પાસે આવેલી ફાયરિંગ રેન્જની તમામ એક્ટિવિટી અંગે માહિતી સરપંચને માહિતી આપે છે. જેથી સરપંચ ગામના લોકોને તે વિસ્તારથી દૂર રહેવા એલર્ટ કરી દે. તપાસમાં સામે આવ્યું કે, સત્યનારાયણના ભાઈની પત્ની ગામની સરપંચ રહી ચૂકી છે અને સત્યનારાયણ સરપંચ પ્રતિનિધિની ભૂમિકા ભજવતો હતો. એવામાં સૈન્યની દરેક એક્ટિવિટીની માહિતી હની ટ્રેપમાં ફસાયા બાદ ISIને પહોંચાડતો હતો.
ISIની એજન્ટે પોતાની ઓળખ અખબારના એડિટર તરીકે આપી
સોશિયલ મીડિયા પર સત્યનારાયણ સાથે 5 યુવતીઓ એક ગ્રૂપ બનાવીને સતત વાત કરતી હતી. લાઈવ ચેટિંગ દરમિયાન આ યુવતીઓ એક પછી એક સત્યનારાયણ સામે પોતાના કપડા ઉતારવા લાગતી હતી. એવામાં તે પોતાની પરનું નિયંત્રણ ગુમાવી બેસતો અને ISIની એજન્ટોને દેશની સિક્રેટ માહિતીઓ આપવા લાગતો. આ 5 યુવતીઓમાંથી એક યુવતી જેણે પોતાની ઓળખ સોનિતા કુમારી તરીકે આપી હતી, તે પોતાને એક હિન્દી દૈનિક અખબારની એડિટર ગણાવતી હતી અને બાકીની યુવતીઓની ઓળખ તેણે પોતાના અખબારમાં કામ કરતી પત્રકાર તરીકે આપી હતી.
ISIના સ્લિપિંગ સેલ એજન્ટ પશ્ચિમ રાજસ્થાનમાં સક્રિય
ISIના પશ્ચિમ રાજસ્થાનમાં પોતાના ઘણા સ્લિપર સેલ એક્ટિવ છે. કારણ કે આ ક્ષેત્રમાં સૈન્ય એક્ટિવિટી હંમેશા ચાલતી રહે છે. એવામાં કોઈ સ્લિપિંગ સેલ એજન્ટે ISIને માહિતી આપી કે, સત્યનારાયણ પાસે સૈન્ય સાથે સંકળાયેલી ઘણી માહિતી રહે છે. આ સાથે તેણે સત્યનારાયણનો મોબાઈલ નંબર પર તેમને આપી દીધો. જે પછી ISIએ હની ટ્રેપમાં સત્યપાલને ફસાવવા યુવતીઓના ગ્રૂપને એક્ટિવ કર્યું હતું. જે પછી યુવતીઓએ સત્યનારાયણને ફસાવી તેની પાસેથી માહિતીઓ મેળવવાનું શરૂ કરી દીધું હતું.
યુવતીઓનું એક ગ્રૂપ જ હની ટ્રેપમાં હોય છે સામેલ
ગુપ્તચર એજન્સીઓએ જણાવ્યું કે, પશ્ચિમ રાજસ્થાનમાં હની ટ્રેપના જેટલા પણ કેસ સામે આવ્યા છે તેમાં આ યુવતીઓ એક સમાન છે. તેમની અવાજની વિસ્તૃત તપાસ કરવામા આવશે. આ તપાસમાં સામે આવ્યું કે, ગત વર્ષે હની ટ્રેપમાં ફસાયેલા સૈન્યના 2 જવાનો પણ આ જ યુવતીઓની જાળમાં ફસાયા હતા.