કંગનાએ બિલ્ડિંગનું વળતર લેવાનો કર્યો ઇનકાર:કહ્યું કે, ’કરદાતાઓના પૈસા નથી જોઈતા

મુંબઇ,૨૦૨૦માં મુંબઈ કોર્પોરેશન દ્વારા કંગનાની ઓફિસના કેટલાક ભાગને ગેરકાયદેસર જાહેર કરીને તોડી પાડ્યો હતો. હવે ૩ વર્ષ પછી કંગનાએ કહ્યું છે કે, તેને તેની ઇમારત તોડી પાડવા માટે કોઈ વળતર મળ્યું નથી. કંગનાએ કહ્યું કે કોર્ટે તેને વળતર આપવાનું કહ્યું હતું પરંતુ હવે તેને એક પણ પૈસો નથી જોઈતો. એક્ટ્રેસે કહ્યું, તે નથી ઈચ્છતી કે તેના કારણે કરદાતાઓને નુક્સાન થાય. હકીક્તમાં કંગનાએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ઉદ્ધવ ઠાકરે સરકારને ઘણી ઘેરી હતી. થોડા દિવસો પછી એક બુલડોઝર બિલ્ડીંગ ઉપર ફરી વળ્યું હતું.

કંગનાએ કહ્યું, ’મને અત્યાર સુધી કોઈ વળતર મળ્યું નથી, તેઓ ચેક કરનાર લોકોને મોકલવાના હતા. હું એકનાથ શિંદેજીને પણ મળી હતી. મેં તેને કહ્યું કે હવે મારે કરદાતાઓના પૈસાનું વળતર નથી જોઈતું.’

જ્યારે કંગનાની પારલી હિલ ઓફિસ પર બુલડોઝર આવ્યું ત્યારે તેણે તરત જ બોમ્બે હાઈ કોર્ટમાં અરજી કરી. તેણે સ્ટે માંગતી અરજી કરી હતી. આ સિવાય એક્ટ્રેસે વળતર તરીકે ૨ કરોડ રૂપિયાની પણ માંગ કરી હતી. ત્યારે કોર્ટે બીએમસીને પણ ફટકાર લગાવી હતી. હકીક્તમાં આ સમગ્ર મામલો સુશાંત સિંહ રાજપૂતના આત્મહત્યા બાદ શરૂ થયો હતો. કંગનાએ મહારાષ્ટ્રના તત્કાલીન સીએમ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતા. કંગનાએ આરોપ લગાવ્યો હતો કે ઉદ્ધવ સરકાર જાણીજોઈને મામલો દબાવવાનો પ્રયાસ કરી રહી છે. કંગનાએ સીધો આરોપ લગાવ્યો કે સુશાંતે આત્મહત્યા નથી કરી પરંતુ તેની હત્યા કરવામાં આવી છે.

કંગનાના આ આરોપ બાદ શિવસેનાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરેના નજીકના સંજય રાઉતે તેના પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. આ પછી તેમની ઓફિસનો કેટલોક ભાગ ગેરકાયદેસર જાહેર કરીને તોડી પાડવામાં આવ્યો હતો. કંગનાએ આરોપ લગાવ્યો કે બદલો લેવાના ઈરાદાથી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. કંગનાને સોશિયલ મીડિયા પર સતત ધમકીઓ મળી રહી હતી. જેને કારણે તેમને કેન્દ્ર સરકાર દ્વારા પહેલેથી જ રૂ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી હતી.

કંગનાએ તેના સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજ જાહેર કર્યો હતો જેમાં લખ્યું હતું કે, ’ઉદ્ધવ ઠાકરે, તમને શું લાગે છે કે તમે ફિલ્મ માફિયાઓ સાથે મારું ઘર તોડીને મારા પર મોટો બદલો લીધો છે. આજે મારું ઘર તૂટી ગયું, કાલે તારું અભિમાન તૂટી જશે. યાદ રાખો..તે સમયનું ચક્ર છે, તે હંમેશા એક્સરખું નથી હોતું. કાશ્મીરી પંડિતોનું શું થયું હશે, આજે ખબર પડી.

કંગનાનું આ નિવેદન ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યું જ્યારે મહારાષ્ટ્રમાં રાતોરાત સરકાર પલટાઈ ગઈ અને ઉદ્ધવ સરકારમાં જ મંત્રી એકનાથ શિંદેએ બળવો કર્યો. સોશિયલ મીડિયા પર લોકોએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને કંગનાએ શ્રાપ આપ્યો છે. ઉદ્ધવ પાસેથી તેમની ખુરશી છીનવાઈ ગઈ, તેમની જ પાર્ટી શિવસેનાનું પ્રતીક પણ તેમના હાથમાંથી નીકળી ગયું. બીજા શબ્દોમાં કહીએ તો, આખો પક્ષ તેના હાથમાંથી નીકળી ગયો.