નવીદિલ્હી,ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવાશભર્યા સબંધોની વચ્ચે શાંઘાઈ કો ઓપરેશન સમિટની બેઠકમાં ભાગ લેવા માટે ભારત આવેલા પાકિસ્તાની વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો અને ભારતના વિદેશ મંત્રી જયશંકર વચ્ચેની દૂરી સ્પષ્ટપણે જોવા મળી હતી.
બંને દેશના વિદેશ મંત્રીઓએ એક બીજાની સાથે હાથ મિલાવવાની જગ્યાએ દૂરથી નમસ્તે જ કર્યા હતા.ફોટો સેશન દરમિયાન પણ તેમની વચ્ચેનુ અંતર સ્પષ્ટપણે જોવા મળી રહ્યુ હતુ. જોકે બિલાવલ ભુટ્ટો સાથે ગયેલા પ્રતિનિધિ મંડળને ભારતની મહેમાનગતિનો અલગ જ અનુભવ થયો હતો.
પાકિસ્તાનના એક અખબારના પત્રકાર કામરાન યુસુફે કહ્યુ હતુ કે, ગુરુવારે ગોવા પહોંચ્યા બાદ પાકિસ્તાની અધિકારીઓએ કહ્યુ હતુ કે ભારતે પાકિસ્તાન સાથે પણ ચીન અને રશિયાના પ્રતિનિધિ મંડળ સાથે કર્યો છે તેવો જ શાનદાર અને સૌહાદપૂર્ણ વહેવાર કર્યો હતો. પાકિસ્તાની અધિકારીઓને ભારતના ડેપ્યુટી હાઈ કમિશને જાણકારી આપી હતી કે પાકિસ્તાનના ૧૦ પત્રકારોને આ ઈવેન્ટ કવર કરવામાટે વિઝા પણ આપવામાં આવ્યા છે.
કામરાન યુસુફે કહ્યુ હતુ કે, ભારત આવીને કોઈ શત્રુતાપૂર્ણ વહેવાર જોવા મળ્યો નથી. ભારતમાં અમારી કોઈ જાસૂસી થઈ નથી. ભારતીય મીડિયાનો પણ મારા પ્રત્યેનો વ્યવહાર ઘણો સારો રહ્યો છે.
એવુ પણ કહેવાઈ રહ્યુ છે કે, ગુરુવારે ગોવાની હોટલમાં તમામ દેશો માટે એક ડિનરનુ આયોજન કરાયુ હતુ અને તેમાં જયશંકર અને બિલાવલ ભુટ્ટોએ એક બીજા સાથે હાથ મિલાવ્યો હતો. આ ડિનર દરમિયાન એક સાંસ્કૃતિક કાર્યક્રમનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.