પાકિસ્તાનની નાપાક હરક્ત, ૧૦ હિન્દુ પરિવારોને ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ બનાવ્યા

  • પાકિસ્તાનમાં લઘુમતીઓના અધિકારો અને તેમની સુરક્ષાને લઈને સવાલો ઉભા થવા લાગ્યા છે.

ઇસ્લામાબાદ,પાકિસ્તાન હંમેશા વૈશ્ર્વિક મંચો પર લઘુમતીઓના અધિકારો અને તેમની સુરક્ષાની વાત કરે છે.પાકિસ્તાને ઘણી વખત કહ્યું છે કે ભારતમાં રહેતા લઘુમતીઓ પર અત્યાચાર થાય છે. દુનિયા જાણે છે કે પાડોશી દેશના આ દાવામાં એક અંશ પણ સત્ય નથી. પરંતુ, પાકિસ્તાન લઘુમતી હિંદુઓ પર થતા અત્યાચારો પર આંખ આડા કાન કરે છે. કારણ કે પાકિસ્તાનમાં ફરી એકવાર ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે.

વાસ્તવમાં,પાકિસ્તાનના સિંધમાં ૧૦ હિંદુ પરિવારોના ઓછામાં ઓછા ૫૦ લોકોએ ઈસ્લામ ધર્મ અપનાવ્યો છે. હિન્દુ પરિવારોના ધર્માંતરણ બાદ હિન્દુ કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકાર પોતે સામૂહિક ધર્માંતરણમાં સામેલ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના સમાચારમાં કહેવામાં આવ્યું છે કે જે લોકોનું ધર્મપરિવર્તન થયું છે તેઓ સિંધના મીરપુરખાસ વિસ્તારના રહેવાસી છે. આ લોકોનું ધર્માંતરણ કરવા માટે એક મદરેસામાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મદરેસાના જાળવણીની દેખરેખ રાખતા કારી તૈમૂર રાજપૂતે પણ હિન્દુ પરિવારોના ધર્માંતરણની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે અહીં ૧૦ હિન્દુ પરિવારોના ૫૦ લોકોને લાવવામાં આવ્યા હતા, જેમણે ઈસ્લામ કબૂલ કર્યો છે. આ લોકોમાં ૨૩ મહિલાઓ અને એક વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. આ મામલામાં સિંધ સરકારની મિલીભગતની પણ પુષ્ટિ થાય છે. કારણ કે આ કાર્યક્રમમાં ધાર્મિક બાબતોના મંત્રી મોહમ્મદ તલ્હા મહમૂદના પુત્ર મોહમ્મદ શમરોઝ ખાને પણ ભાગ લીધો હતો.

તે જ સમયે, સામૂહિક ધર્માંતરણની આ ઘટનાથી હિન્દુ કાર્યર્ક્તાઓ ખૂબ જ ચિંતિત છે. તેણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી છે. આવા કિસ્સાઓ સામે અવાજ ઉઠાવનાર ફકીર શિવા કચ્છીએ કહ્યું કે એવું લાગે છે કે પ્રાંતીય સરકાર પોતે જ આવા કેસોમાં સામેલ છે. તેમણે કહ્યું કે છેલ્લા ઘણા સમયથી સરકારને ધર્માંતરણ વિરુદ્ધ કાયદો લાવવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.શિવા કુછી કહે છે કે સિંધમાં ધર્માંતરણના મામલા ખૂબ જ ગંભીર છે. સરકારે આવી બાબતો પર રોક લગાવવી જોઈએ, પરંતુ તેનાથી ઉલટું અહીં મંત્રીના પુત્ર જ ધર્માંતરણના કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. હિન્દુ લોકો માટે આ ચિંતાનો વિષય છે. અમે ખૂબ લાચાર અનુભવીએ છીએ.