અમદાવાદમાંથી રૂ.2436 કરોડનું બોગસ GST બિલિંગ કૌભાંડ ઝડપાયું છે. સોના, ચાંદી, હીરા, જવેરાતના ખોટુ ખરીદ વેચાણ બતાવી રૂ.72 કરોડની ફેક ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગત મુજબ અમદાવાદના ન્યુ રાણીપ, શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત ભગવાનદાસ સોનીને ત્યાં સેન્ટ્રલ GSTની નોર્થ કમિશનરેટની ટીમે આજે બુધવારે દરોડો પાડ્યો હતો. બાતમી હતી કે, આ સોની વેપારી દ્વારા મોટાપાયે બોગસ જીએસટી બિલ બનાવી ફેક ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી કૌભાંડ આચરવામાં આવ્યું છે. તપાસ કરતા હકીકત સામે આવી કે, ભેજાબાજએ રૂ. 2435.96 કરોડના બોગસ બનાવી 72 કરોડ રૂપિયાની ઇન્પુટ ક્રેડિટ મેળવી છે. અધિકારીઓ પણ આ કૌભાંડ સામે આવતા અચંબિત થયા હતા અને ભરત સોનીની ધરપકડ કરી હતી. આરોપીના 14 દિવસના રિમાન્ડ લઇ ઘનિષ્ઠ તપાસ શરૂ કરી હતી.
તપાસમાં સામે આવેલી વિગત મુજબ, ભરત સોનીએ પરિવારના સભ્યોના નામે 6 જુદી-જુદી જ્વેલર્સ પેઢી બનાવી હતી. જેમાં પોતાના નામે ઘનશ્યામ જવેલર્સ, પુત્ર ભાવિનના નામે કનિષ્ક જ્વેલર્સ, પુત્રી દીપલી પાટડીયાના નામે દીપ જ્વેલર્સ, જમાઈ નીતિન પાટડીયાના નામે એન.એસ. એન્ટરપ્રાઈઝ, બીજી પુત્રી શ્વેતા પાટડીયાના નામે એસ.એ.ઓર્નામેન્ટ, જમાઈ આદર્શ પાટડીયાના નામે બી-2 જેમ્સનો સમાવેશ થાય છે. આ સાથે અધિકારીઓને એવી આશંકા છે કે અમદાવાદના ટોચના જ્વેલર્સની આખી સિન્ડીકેટ આ કૌભાંડમાં સામેલ છે અને તેમણે રૂ.7250 કરોડથી વધુના બોગસ GST બિલો બનાવી 210 કરોડથી વધુની ઇન્પુત ક્રેડિટ ચાંઉ કરી લીધી છે. કૌભાંડનો આંકડો 10 હજાર કરોડનો થવાની આશંકા છે અને કૌભાંડ રચીને રૂ.300 કરોડની બનાવટી ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવેલી હોય શકે છે. ભરત સોનીનીને અમદાવાદની એડિશનલ ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે તેની જામીન અરજી ફગાવી 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, પૂછપરછ આખી ગેંગ સામે આવે તેમ છે અને અનેક મોટમાથાના નામ બહાર આવે તેવી શકયતા છે.