પાકિસ્તાનના વિદેશમંત્રી ગોવા પહોંચ્યા: હું અહીં આવીને ખૂબ જ ખુશ છું; બિલાવલ ભુટ્ટો

  • ૨૦૧૪માં કહ્યું હતું કે કાશ્મીરની એક-એક ઈંચ જમીન લેશું.

પણજી,એસસીઓની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી ગોવા પહોંચ્યા છે તેઓ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. ભારત પહોંચ્યા બાદ તેમણે કહ્યું હતું, ’હું ગોવા આવીને ખૂબ જ ખુશ છું, મને આશા છે કે એસસીઓની બેઠક સફળ રહેશે’.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ૭ વર્ષથી કોઈ વાતચીત થઈ નથી. એટલા માટે બધાની નજર બિલાવલ ભુટ્ટોની આ મુલાકાત પર છે. બિલાવલ પાકિસ્તાનના એકમાત્ર મહિલા વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના પુત્ર છે. તેઓ એપ્રિલ ૨૦૨૨માં ૩૩ વર્ષની વયે પાકિસ્તાનના સૌથી યુવા વિદેશમંત્રી બન્યા હતા. ત્યાર બાદ તેમણે ભારતને લઈને ૫ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.

આ પહેલાં તેમણે એક વીડિયો જાહેર કર્યો હતો, જેમાં કહ્યું હતું કે- આ મીટિંગમાં ભાગ લેવાનો મારો નિર્ણય દર્શાવે છે કે એસસીઓ પાકિસ્તાન માટે કેટલું મહત્ત્વનું છે. હું સભ્ય દેશોના વિદેશમંત્રીઓ સાથે ચર્ચા કરવા આતુર છું.બિલાવલ ૧૨ વર્ષ બાદ ભારતની મુલાકાત લેનારા પાકિસ્તાનના પહેલા વિદેશમંત્રી છે. અગાઉ ૨૦૧૧માં પાકિસ્તાનના પૂર્વ વિદેશમંત્રી હિના રબ્બાની ખાર ભારત આવ્યાં હતાં. ગુરુવારે વિદેશમંત્રી એસ. જયશંકર એસસીઓના જનરલ સેક્રેટરી ઝાંગ મિંગને મળ્યા હતા. તેમણે કહ્યું- ભારતની અધ્યક્ષતામાં એસસીઓનું ધ્યાન સ્ટાર્ટઅપ્સ, પરંપરાગત દવા, યુવા સશક્તીકરણ અને વિજ્ઞાન અને ટેકનોલોજી પર છે.

૧૫ ડિસેમ્બરે, બિલાવલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું – ઓસામા બિન લાદેન મરી ગયો છે, પરંતુ ગુજરાતનો ક્સાઈ હજુ પણ જીવિત છે અને તે ભારતના વડાપ્રધાન છે. ભુટ્ટોના આ નિવેદનનો ભારતે સખત વિરોધ કર્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે કદાચ ભુટ્ટો ૧૯૭૧ને ભૂલી ગયા છે, જ્યારે ૯૦,૦૦૦થી વધુ પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. એ જ સમયે ભારતનાં વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે બિલાવલ નિષ્ફળ દેશનો પ્રતિનિધિ છે અને તે પોતે પણ નિષ્ફળ ગયો છે. આતંકવાદી માનસિક્તા ધરાવતા લોકો પાસેથી તમે વધુ શી અપેક્ષા રાખી શકો.

બિલાવલ ભુટ્ટોએ ૧૮ ડિસેમ્બરે કહ્યું હતું – હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમની પાર્ટી ભાજપ અને આરએસએસથી ડરતો નથી. પીએમ મોદીને ક્સાઈ કહેવાના નિવેદન પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે- તેમનો ઉદ્દેશ ભારતમાં મુસ્લિમો પ્રત્યે ચાલી રહેલા ભેદભાવ અને નફરત સામે અવાજ ઉઠાવવાનો હતો. આવી સ્થિતિમાં તેમની સામે વિરોધ કરવાને બદલે નફરત અને ભેદભાવ સામે અવાજ ઉઠાવવો વધુ સારું રહેશે.

બિલાવલે ૨૦૧૪માં પહેલીવાર કાશ્મીર મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે પીપીપી કાર્યર્ક્તાઓને કહ્યું હતું – હું આખું કાશ્મીર પાછું લઈ લઈશ. હું એનો એક ઇંચ પણ ભારત માટે નહીં છોડું, કારણ કે કાશ્મીર માત્ર પાકિસ્તાનનું છે. પાકિસ્તાનના અન્ય પ્રાંતોની જેમ કાશ્મીર પણ આપણું છે. ત્યારથી બિલાવલે કાશ્મીરનો મુદ્દો ઘણી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ઉઠાવ્યો છે, પરંતુ પાકિસ્તાન એને ક્યારેય યુએનના એજન્ડામાં સામેલ કરી શક્યું નથી. ૧૧ માર્ચે, બિલાવલે યુએનની બેઠકમાં કહ્યું હતું – કાશ્મીરના મુદ્દાને યુએનના એજન્ડામાં સામેલ કરવો અમારા માટે એક મોટું કામ છે. ભારતની કૂટનીતિ આનું કારણ છે. ભારતના સખત વિરોધ અને કાશ્મીર પર પહેલેથી જ બનાવટી વાતોના કારણે તેઓ તેને ખૂબ જ નક્કર રીતે રાખે છે.

મે ૨૦૨૨માં પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ખુલ્લી ચર્ચામાં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાનો અને સીમાંકન પંચના આદેશનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કાશ્મીરી લોકો પર ભારતમાં જુલમ અને અત્યાચારનો આરોપ પણ લગાવ્યો હતો. એ સમયે ઝરદારીએ કહ્યું હતું કે ભારત સાથે વાતચીત કરવી અમારા માટે ખૂબ મુશ્કેલ બની ગયું છે.

બિલાવલ ભુટ્ટો પહેલીવાર ૧૩ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ સંસદસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે ૨૭ એપ્રિલ ૨૦૨૨ના રોજ પાકિસ્તાનના ૩૭મા વિદેશમંત્રી તરીકે શપથ લીધા હતા. ૨૦૦૭માં બિલાવલની માતા બેનઝીર ભુટ્ટોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારથી તેઓ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ છે. ત્યારે બિલાવલ માત્ર ૧૯ વર્ષના હતા.