દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા-મુક્કી

  • મહિલા રેસલર વિનેશ ફોગટના ભાઈ દુષ્યંતને અથડામણ દરમિયાન માથામાં ઈજા,અન્ય રેસલર રાહુલ પણ ઘાયલ થયો.
  • મેડલ પાછા આપી દઈશું:પોલીસે સ્વાતિ માલીવાલની પણ ધરપકડ કરી.

નવીદિલ્હી,દિલ્હીમાં જંતર મંતર પર પ્રદર્શનકારી પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કા -મુક્કી થઇ હોવાનો વિડિયો સામે આવ્યો છે.દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહેલા પહેલવાનો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. બુધવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે વિરોધ કરી રહેલા પહેલવાનો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.પહેલવાનો આરોપ છે કે વરસાદને કારણે પથારી મંગવવામાં આવી હતી. પોલીસે તેમને આવતા અટકાવ્યા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટાર ખેલાડી બજરંગ પુનિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, કુસ્તીબાજોએ જાન્યુઆરીમાં જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહના વિરુદ્ધ ધરણા કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે ડબ્લ્યુએફઆઇ પ્રમુખે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું. ભારતીય ઓલિમ્પિક એસોસિએશન અને રમતગમત મંત્રાલયે આ મામલે એક કમિટી બનાવી હતી. પિકેટિંગ કરનારા ખેલાડીઓનું કહેવું છે કે કમિટી બન્યા બાદ પણ આ મામલે હજુ સુધી કંઈ થયું નથી, તેથી આ લોકો ફરીથી ધરણા પર બેઠા છે. આ તમામ આંદોલનર્ક્તા પહેલવાનો, બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે વહેલી તકે FIRની  માંગ કરી રહ્યા છે.

રેસલર વિનેશ ફોગાટે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે અમે અમારા સન્માનની લડાઈ લડી રહ્યા છીએ. પરંતુ પોલીસકર્મી યુવતીઓની છાતી પર હાથ મારી રહ્યા છે, પોલીસે અમારી દુર્દશા કરી છે.મારવા હોય તો ગમે તેમ કરીને મારી નાખો, અમે મરવા તૈયાર છીએ, કેટલા બેઆબરુ કરશો ? શું આ દિવસ જોવા માટે મેડલ લાવ્યા હતા ? જો આવું જ થવાનું હોય તો અમે ઈચ્છીએ છીએ કે હવે પછી કોઈ પણ ખેલાડી મેડલ ના જીતે. આ નિવેદન દિગ્ગજ કુસ્તીબાજ વિનેશ ફોગાટે મધ્યરાત્રીએ રડીને આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે, કુસ્તીબાજો માટે ફોલ્ડિંગ બેડ લાવવામાં આવ્યા હતા, જેને પોલીસે અટકાવ્યા હતા, ત્યારબાદ પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમણે કહ્યું કે અમે લોકોએ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે, પરંતુ તેમની સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ દિલ્હી પોલીસ પર તેની સાથે દુર્વ્યવહાર કરવાનો અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ અને કુસ્તીબાજો વચ્ચેની મોડીરાત્રે થયેલ અથડામણમાં વિનેશ ફોગટના ભાઈને માથામાં ઈજા થઈ હતી. આ સિવાય બેડ લઈને પહોંચેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. જોકે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કુસ્તીબાજો સાથેની અથડામણને કારણે દિલ્હીમાં પણ રાજકારણ ગરમાયું છે. સમાચાર મળતાની સાથે જ ખેડૂત નેતાઓ તેમના સમર્થકો સાથે જંતર-મંતર જવા રવાના થયા હતા, પરંતુ પોલીસે તેમને ધૌલા કુઆ ખાતે રોક્યા અને તેમની કસ્ટડીમાં લીધા. જ્યારે, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ અને આપ ધારાસભ્ય સાથે મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ જંતર-મંતર પહોંચવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ પોલીસે આ લોકોને પણ કસ્ટડીમાં લીધા હતા.

જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન રેસલર વિનેશ ફોગાટના ભાઈનું માથું ફૂટ્યું. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જંતર-મંતરથી સામે આવેલા વીડિયોમાં વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ જણાવ્યું કે પોલીસ કર્મચારીઓએ નશાની હાલતમાં દુર્વ્યવહાર કર્યો અને ગેરવર્તન કર્યું. હંગામા બાદ પોલીસે કેટલાક કુસ્તીબાજોને કસ્ટડીમાં લીધા છે. દરમિયાન પોલીસે પહેલવાનોના સમર્થનમાં લોકો એકત્ર થવા લાગતા જંતરમંતરને ચોતરફથી બંધ કર્યુ છે અને મીડિયાકર્મીઓને પણ બહાર કાઢ્યા હતા. રેસલર બજરંગ પુનિયાએ કહ્યું છે કે અમે જીતેલા મેડલ ભારત સરકારને પરત કરી દઈશું. જો દેશનું નામ રોશન કર્યા પછી પણ આ પ્રકારનું વર્તન થાય છે તો અમારે આ મેડલ જોઈતા નથી. દિલ્હી પોલીસ અને બ્રિજ ભૂષણના માણસો શરૂઆતથી જ આ ધરણાને કચડવા માંગતા હતા. ક્યારેક જાતિવાદ તો ક્યારેક પ્રાદેશિકવાદનું નામ આપવામાં આવી રહ્યું છે.જોકે પોલીસે મારામારીના સમાચારને નકારી કાઢ્યા હતા.રેસલર વિનેશે આરોપ લગાવ્યો કે પોલીસકર્મીઓ નશામાં હતા. તેઓએ મારી સાથે દુર્વ્યવહાર કર્યો અને નશામાં ધૂત પોલીસકર્મી ધર્મેન્દ્રએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો.