ઘોઘંબા,
ઘોઘંબા ગામના ભગત ફળિયા સીમમાંથી પાધોરા એ.જી. ની પસાર થતી જી.ઈ.બી. ખેતીવાડી લાઈનમાં જ્યારે વીજ પુરવઠો ચાલુ કરવામાં આવે છે ત્યારે મોટા મોટા ધડાકા થાય છે. તથા ફયુઝ બળી જાય છે અને લંગરીયા પણ ઓટોમેટીક ઉડી જાય છે. સ્થાનિક ખેડૂત કનકસિંહ પરમાર દ્વારા જાનના જોખમે વારંવાર લંગરીયા બાંધવાનું કામ પણ કરવામાં આવે છે.
આસપાસના ખેડૂતો દ્વારા જીઈબી ઓફિસ ઘોઘંબા ને વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવેલ નથી. લાઈટ ન હોવાને કારણે આર્થિક મુશ્કેલીઓ વેઠીને જીવતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાને કારણે પારાવાર મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો છે. મોંઘવારીના સમયમાં ખાતર પાણી ખરીદી ખેડૂતોએ ઉગાડેલ ખેતી પાકને આજે સુકાઈ જવાનો વખત આવ્યો છે. લાઈનની આજુ-બાજુ ઝાડી ઝાંખરાઓ મોટા પ્રમાણમાં ફેલાઈ ગયા છે અને તેના કારણે વારંવાર જી.ઈ.બી. ની લાઈનમાં ફોલ્ટ થતા જોવા મળે છે. લાગતા વળગતા અધિકારી કર્મચારીઓ દ્વારા ટૂંક સમયમાં આ અંગે નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આસપાસના તમામ ખેડૂતો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે જઇને ઉપવાસ આંદોલન કરવા માટેની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતો માટેની વાતો કરતી સરકારની વાહ વાહ આ સરકારના અધિકારી-કર્મચારીઓ દ્વારા કેટલા અંશે ધ્યાન પર લઈ સમસ્યાને દૂર કરવામાં આવે છે? તે આવનાર સમયમાં જોવું જ રહ્યું.