
ગોવાહાટી,નાગાલેન્ડ અને આસામ વચ્ચે વિવાદિત સરહદી વિસ્તારમાં ૬૦ કરોડ ટન તેલ અને કુદરતી ગેસના ભંડારના ખાણકામને લઈને વિવાદ સર્જાયો છે. બંને રાજ્યોની સરકારો તો સહમત થઈ છે, પરંતુ નાગાલેન્ડની આદિવાસી સંસ્થાઓ અને નાગા નેશનલ પીપલ્સ ગ્રૂપની કાર્યકારી સમિતિ સહિત વિવિધ સંગઠનો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવ્યો છે.
નાગાલેન્ડ ટ્રાઇબલ કાઉન્સિલ (એનટીસી)ની સલાહકારોની એક બેઠકમાં આ અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. આ બેઠકમાં સવાલો કરાયો હતો કે નાગાલેન્ડના સીએમ હિતધારકોની સંમતિ વિના વિવાદિત સીમા સાથેના વિસ્તારોમાં તેલની શોધ માટે કેવી રીતે સંમત થયા. નાગાલેન્ડ હંમેશા સરહદ પર શાંતિ જાળવે છે પરંતુ તેનાથી વિપરીત આસામે સરહદ પર મુશ્કેલી ઊભી કરી અને ગેરકાયદે જમીન પર કબજો જમાવે છે. ઓકિંગ વોખા ટાઉન નાગાલેન્ડ નામના સંગઠને પણ નાગાલેન્ડ અને આસામ સાથેના વિવાદિત પટ્ટામાં તેલ અને કુદરતી ગેસના ખાણકામનો સખત વિરોધ કર્યો છે. ઓઇલ અધિકારીઓનું માનવું છે કે નાગાલેન્ડમાં ઘણી સંભાવના છે. ૧૯૯૦ના દાયકામાં સ્થાનિકોના વિરોધને કારણે શોધ બંધ કરાઈ હતી.
આદિવાસી સંગઠનોનું ૩૦૦૦ કિલોમીટરના ખાણકામ વિસ્તાર માટે કહેવું છે કે બંને રાજ્યો વચ્ચેના સરહદી વિવાદનો ઉકેલ ન આવે અને ૨૦૧૨ના પેટ્રોલિયમને લગતા નિયમોમાં સુધારો ના થાય ત્યાં સુધી સંશોધન બંધ રાખો. વિવાદિત સ્થળે ૩૦ ઓઇલ ફિલ્ડમાં કામ ઠપ થતાંનાગાલેન્ડને વાષક રૂ. ૧,૮૨૫ કરોડનું નુક્સાન થઈ રહ્યું છે.
જાહેર ક્ષેત્રની કંપની ઓઈલ ઈન્ડિયા લિ. ખાણકામની યોજના બનાવી રહી છે. સીએમડી રણજિત રથે જણાવ્યું હતું કે આસામમાં લગભગ ૪૦૦૦ ચો.કિ. વિસ્તારનો થ્રીડી સિસ્મિક સરવેનું આયોજન કરાયું છે. નાગાલેન્ડમાં હવામાન સાનુકૂળ થતાંની સાથે જ શોધ શરૂ થવાની ધારણા છે. કંપનીએ આ દરમિયાન નાગાલેન્ડમાં ૩૦૦૦ ચો.કિ.મી. વિસ્તારમાં પણ શોધખોળ શરૂ કરી છે. એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર કંપની પાસે આસામ-અરકાન ફોલ્ડ બેલ્ટમાં ઘણી વધુ હદ સુધી સમાન ક્ષમતા છે. બ્રહ્મપુત્રાના ઉત્તરીય વિસ્તારોના સિસ્મિક ડેટા પણ બનાવવામાં આવ્યા છે.
આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા અને નાગાલેન્ડના સીએમ નેફિયુ રિયાએ હાલમાં જ સરહદી વિસ્તારોમાં તેલ-કુદરતી ગેસના ભંડારોની શોધમાં સાથે મળીને કામ કરવા સંમતિ દાખવી હતી. આસામે કહ્યું કે અમે નાગાલેન્ડ સાથેના દાયકા જૂનો વિવાદ ઉકેલવા તૈયાર છીએ.
મિઝોરમમાં તેલની શોધખોળનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તેનાં પરિણામોનો અભ્યાસ ચાલુ છે. ત્રિપુરામાં પણ શોધખોળ કરવામાં આવી છે. બ્રહ્મપુત્રાના ઉત્તર કાંઠે આસામમાં પાઠશાલા અને મંગલદાઈ ઓપન એકરેજ લાઇસન્સિંગ નીતિ બિડિંગ હેઠળ આવે છે.