’બેટી બચાવો માત્ર ઢોંગ’: જંતર-મંતરની ઘટના પર રાહુલ ગાંધીની પ્રતિક્રિયા

નવીદિલ્હી,જંતર-મંતર પર કુસ્તીબાજો સાથે પોલીસના ઘર્ષણ મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીજેપી પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, દેશના ખેલાડીઓ સાથે આવું વર્તન ખૂબ જ શરમજનક છે. ’બેટી બચાવો માત્ર ઢોંગ’ છે. હકીક્ત તો એ છે કે, ભાજપ ભારતની દીકરીઓ પર અત્યાચાર કરવાથી ક્યારેય પાછળ નથી હટતી.

બુધવારે મોડી રાત્રે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કાર્યવાહીની માગણી સાથે દિલ્હીના જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. કુશ્તીબાજોનો આરોપ છે કે, વરસાદને કારણે તેઓએ ફોલ્ડિંગ બેડ મગાવ્યા હતા. પોલીસ ધરણાં સ્થળ પર પહોંચે તે પહેલા આ બેડને અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. કુસ્તીબાજોએ પોલીસ પર હુમલો કરવાનો અને ગેરવર્તન કરાવાનો આરોપ લગાવ્યો છે.

કુસ્તીબાજોનું કહેવું છે કે, વરસાદને કારણે ધરણાની જગ્યા પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે તેમણે ફોલ્ડિંગ બેડ મંગાવ્યા હતા પરંતુ દિલ્હી પોલીસે તેમને લાવવાની મંજૂરી આપી ન હતી. ખેલાડીઓનો આરોપ છે કે, દિલ્હી પોલીસના એસીપીએ પોલીસકર્મીઓ સાથે મળીને ખેલાડીઓ પર હુમલો કર્યો હતો.