નવીદિલ્હી,દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૩,૯૬૨ નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ૭,૮૭૩ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. આ ઉપરાંત સક્રિય કેસ ૪૦,૧૭૭થી ઘટીને ૩૬,૨૪૪ પર આવી ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી છે.
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૩,૯૬૨ કેસ નોંધાયા છે. જોકે આ આંકડો ગઈકાલે આવેલા કોરોનાના દર્દીઓ કરતા થોડો વધારે છે. ગઈકાલે નવા કોરોના દર્દીઓનો આંકડો ૩,૭૨૦ હતો. ગઈકાલે દેશભરમાં કુલ સક્રિય કેસ ૪૦,૧૭૭ હતા જે હવે આંકડો ૪૦ હજારથી નીચે પહોંચી ગયા છે. આરોગ્ય વિભાગના રિપોર્ટ અનુસાર હાલમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ ૩૬,૨૪૪ રહ્યા છે.
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭,૮૭૩ લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનામાંથી સાજા થનારા દર્દીઓની કુલ સંખ્યા વધીને ૪,૪૩,૯૨,૮૨૮ થઈ ગઈ છે. દેશમાં કુલ સક્રિય કેસ ૦.૦૮ ટકા છે અને રિકવરી રેટ ૯૮.૭૩ ટકા છે. બીજી તરફ દૈનિક પોઝિટિવ દર ૨.૧૭ ટકા છે અને સાપ્તાહિક દર ૩.૧૩ ટકા છે. દેશભરમાં અત્યાર સુધીમાં કુલ ૯૨.૭૨ કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા ૨૪ કલાકમાં ૧,૮૨,૨૯૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કોવિડ રસીના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા અનુસાર મૃત્યુ દર ૧.૧૮ ટકા નોંધવામાં આવ્યો છે.