દાહોદ,દાહોદ શહેરમાં જે તે સમયે પરિસ્થિતિ એવી હતી કે, શહેરમાં રોડ એટલા ખુલ્લા હતા અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ શહેરમાં લોકો પોતાની મનસ્વી રીતે થોડું થોડું દબાણ કરતા ગયા અને અઘિકારીઓથી લઇ કર્મચારીઓ પણ આ બઘું જોઈ રહ્યા હતા, પણ કોઇ પણ પગલાં લીધા નહી હવે આજે આવી પરિસ્થિતિ આવી કે દાહોદ નગરમાં ઠેર ઠેર દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે.
નગર પાલિકા દ્વારા પણ આડેધડ બગીચા અને પોતાનું સારૂં દેખાડવા દબાણ કરી દીઘા હતા. જે આજે તે પણ તોડી પાડવામાં આવ્યા છે.
“ન જાણ્યુ જાનકીનાથે સવારે શું થવાનુ છે”
શહેરીજનો સવારે જાગ્યા જ હતા ને દાહોદમાં વર્ષો જૂના દબાણોનો સફાયો કરવાની કામગીરી સવારે 6 વાગ્યાથી શરૂ કરવામા આવી હતી. જેથી શહેરમાં ઉત્તેજના અને ફફડાટ ફેલાઈ ગયો હતો. નગરપાલિકા તેમજ વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં સ્માર્ટ સિટી અંતર્ગત આ દબાણો તોડવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોધરારોડથી શરૂ કરવામા આવી છે.
માપણી બાદ માર્કિંગ કરી નોટીસો પાઠવી દેવામાં આવી છે. દાહોદ શહેર સ્માર્ટ સિટી તરફ આગળ વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા તંત્ર દ્વારા દાહોદ શહેરમાં સ્માર્ટ સિટીના અધિકારીઓથી લઈ દાહોદ વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં દબાણોની માપણી પણ કરવામાં આવી હતી. માપણી થયા પછી રસ્તામાં આવતા દબાણો ઉપર માર્કિંગ પણ કરવામાં આવ્યું હતું. માર્કિંગ કર્યા પછી દબાણ દૂર કરવા માટે નોટિસો પણ આપવામાં આવી હતી.
પાલિકા, મામલતદાર, સીટી સર્વેની ટીમ પોલીસ કાફલા સાથે ઉતરી પડી. ત્યારે નોટિસો આપ્યા બાદ આજ રોજ વહેલી સવારથી સ્માર્ટ સિટીના અધિકારીઓ, દાહોદ નગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, દાહોદ એસ.ડી.એમ., એ.એસ.પી., પી.આ.ઈ., પી.એસ.આઇ., સહિતની ટીમનો કાફલો પાંચ જેસીબી મશીનો સાથે ગોધરા રોડ પર ઉતરી ગયો હતો.સવારથી જ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દાહોદ શહેરના ગોધરા રોડ થી શરૂ કરવામાં આવેલી આ દબાણ હટાવ કામગીરી દેસાઈવાડ છાબ તળાવ, ગોધરા રોડ થી લઈ ભરવાડવાસથી મુવાલિયા ક્રોસીંગ સહિતના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યા હતા. આ ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. કેટલાક લોકો સ્વેચ્છાએ પોતાના ગેરકાયદે દબાણો દૂર કરવામાં લાગી ગયા હતા.
બોકસ: ગોધરારોડ બાદ ગોદીરોડનો વારો આવશે?
દાહોદમાં સ્માર્ટ રોડ બનવા જઈ રહ્યા છે. જેના પગલે રસ્તાઓની આજુબાજુ આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં આ ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કયા વિસ્તારમાં શરૂ કરવામાં આવશે તેની ઉપર સૌ કોઈની મીટ મીંડાયેલી છે. ગોધરા રોડની કામગીરી પૂર્ણ થયા બાદ ગોદી રોડ પર દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાનું વિશ્ર્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે, પરંતુ પરિસ્થિતિ અનુસાર ફેરફાર પણ થઈ શકે છે.