ગોધરા,
ગોધરા શહેર નગરપાલિકા વિસ્તારોમાં આંતરિક રસ્તાઓના નવીનીકરણ કામગીરી ચાલી રહી છે. હાલમાં સોનીવાડ વિસ્તારના વાવડી ફળિયામાં આર.સી.સી.રોડની કામગીરી કરવામાં આવી છે. રસ્તાની કામગીરી સંભાળી રહેલા કોન્ટ્રાકટર દ્વારા ફળિયામાં ગંદા પાણીના નિકાલ માટે ભુગર્ભ ગટર લાઈન સાથેની જોડતી પાઈપલાઈન અને ચેમ્બરો બનાવવામાં આવી હતી તેવી પાઈપલાઈન અને ચેમ્બરો તોડીને આર.સી.સી.રોડ બનાવી દેવામાં આવતા આ વિસ્તારના રહિશોને ગંદા પાણીના નિકાલની સમસ્યા ઉભી થવા પામી છે.
ગોધરા શહેર પાલિકા વિસ્તારના શેરીઓ મહોલ્લા અને ફળિયાઓના આંતરિક રસ્તાઓના નવીનીકરણની કામગીરી ધરવામાં આવી છે. શહેરની શેરી, મહોલ્લા અને ફળિયાઓના રસ્તાઓ નવા બનતા રહિશોમાં ખુશી વ્યાપી છે પરંતુ હાલમાં નગરપાલિકા વિસ્તારમાં આંતરિક શેરી, મહોલ્લા અને ફળિયાઓના આંતરિક રસ્તાની કામગીરી કરતા કોન્ટ્રાકટર મનમાની રીતે રસ્તાની કામગીરી કરી દેવાની ઉતાવળ જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રિના સમયે સોનીવાડ વિસ્તારના વાવડી ફળિયા અને અન્ય એક ફળિયાના આર.સી.સી.રોડને બનાવવામાં આવ્યો છે. પાલિકાના રોડ બનાવવાનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટરના માણસો દ્વારા જુના રસ્તાઓના ખોદકામ દરમિયાન ફળિયા અને શેરીના રહેણાં મકાનોના ગંદા પાણીના નિકાલ માટે ભુગર્ભ ગટરલાઈન અંતર્ગત પાઈપલાઈન અને ચેમ્બરો બનાવવામાં આવી હતી. તેની તોડફોડ કરીને તોડી નાંખવામાં આવેલ ગટર લાઈનો તેમજ ગટર લાઈન સાથે જોઈન્ટ કરવામાં આવેલ કનેકશન તોડી નાંખીને આર.સી.સી.રોડની કામગીરી શ કરી હતી. વાવડી ફળિયા અને અન્ય શેરીમાં ગટર લાઈન તોડી નાંખીને રસ્તો બનાવવામાં આવતો હોય તેને રોકવા માટે સ્થાનિક પાલિકા સભ્ય સંજય ચંપકલાલ સોનીને રહિશો દ્વારા રજુઆત કરવામાં આવી હતી. જેને લઈ આ બાબતે પાલિકા ચીફ ઓફિસર અને જિલ્લા કલેકટરને રાત્રિના સમયે ફોન કરીને ગટર લાઈન તોડી નાંખવામાં આવી છે. જેને લઈ રસ્તાની કામગીરી રોકવા માટે રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકામાં રોડ બનાવવાની કામગીરી કરતા કોન્ટ્રાકટરે રહિશોની સમસ્યાને સાંભળ્યા વગર રાતોરાત આર.સી.સી.રોડની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. વાવડી ફળિયામાં ગંદા પાણીના નિકાલની ગટર લાઈન પુરી દેવામાં આવી છે. જેને લઈ રહિશોના પાણીના નિકાલની સમસ્યા ઉભી થવા પામી છે.