અમદાવાદમાં એનઆઇએનું વડુ મથક બનશે, ગૃહમંત્રાલય-વાહન વ્યવહાર વિભાગે બહાર પાડ્યું જાહેરનામું

અમદાવાદ,ગુજરાત એક સરહદી રાજ્ય છે. ઉપરાંત રાજ્યના સરહદી વિસ્તારો તેમજ દરિયાકાંઠાઓથી માદક પદાર્થો, હથિયારો સહિતની ઘટનાઓ અવાર-નવાર સામે આવતી રહી છે. એટલું જ નહીં ગુજરાત રાજ્યની સરહદો પાકિસ્તાનની બોર્ડર સાથે પણ જોડાયેલી છે, તેથી ગુજરાતની સરહદ સુરક્ષાની દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાય છે. આ તમામ બાબતોને ધ્યાને રાખી ગૃહમંત્રાલયે આજે મહત્વનો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે ગુજરાતના અમદાવાદમાં આવેલા જગતપુરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીનું વડુ મથક બનાવવાનો નિર્ણય લીધો છે અને તેને લીલી ઝંડી પણ આપી દેવામાં આવી છે.

દેશમાં કાઉન્ટર ટેરરિઝમ એજન્સી તરીકે કાર્યરત એનઆઇએનું પોલીસ સ્ટેશન અમદાવાદમાં કાર્યરત થાય તે માટે ગૃહ વિભાગ દ્વારા મંજૂરી અપાઈ છે. ઉપરાંત રાજ્યના ગૃહમંત્રાલયે એનઆઇએના તમામ વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવા માટેનું પણ જાહેરનામું બહાર પાડ્યું છે.

રાજ્યની સુરક્ષાને ધ્યાને રાખી અમદાવાદના જગતપુરમાં એનઆઇએનું પોલીસ સ્ટેશન શરૂ થાય તે માટે ગૃહ વિભાગે મંજુરીની મહોર મારી દીધી છે અને તે માટે મંત્રાલયે જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું છે. ઉપરાંત વાહન વ્યવહાર વિભાગ દ્વારા પણ એનઆઇએના વાહનોને લઈ મોટો નિર્ણય કર્યો છે. વાહન વ્યવહાર વિભાગે એનઆઇએને વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું છે.

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ એનઆઇએને અમદાવાદના એસ જી હાઈવે ઉપર કચેરી અપાઈ હતી, જેમાં NIA  દ્વારા મહત્વપૂર્ણ કેસોની તપાસ ચાલતી હતી. જોકે રાષ્ટ્રીય તપાસ એજન્સી હવે ગુજરાતમાં પણ કેસ દાખલ કરી શકશે અને તેના અધિકારમાં સમગ્ર ગુજરાત રહેશે. ગૃહ વિભાગે તા.૨૬ મી એપ્રિલે જાહેરનામુ બહાર પાડ્યું હતું, તો વાહન વ્યવહાર વિભાગે ૨૮મી એપ્રિલે જાહેરનામું બહાર પાડી દ્ગૈંછ ના વાહનોને ટોલ ટેક્સ ભરવામાંથી મુક્તી આપી છે.