કોલેજિયન વિદ્યાર્થિનીના મોત મામલે નવો વળાંક:વડસ્માની કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ના તેના સાથી વિદ્યાર્થીએ જ હત્યા કરી

મહેસાણા,મહેસાણાના વડસ્મા નજીક આવેલી ફાર્મસી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના શંકાસ્પદ મોત મામલે નવો વળાંક આવ્યો છે. કોલેજિયન વિદ્યાર્થીની તેની સાથે જ અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે વિદ્યાર્થી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની ૨૧ વર્ષીય યુવતી મહેસાણા તાલુકાના વડસ્મા પાસે આવેલા શ્રી સત્સંગી સાંકેતધામ રામ આશ્રમ શૈક્ષણિક સંકુલમાં હોસ્ટેલમાં રહી ફાર્મસી કોલેજના છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી, જે ૨૮ તારીખે લાપત્તા બની હતી અને તેના બીજા દિવસે જ કોલેજની નિર્માણાધીન લેબમાંથી તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. વિદ્યાર્થીની ની સાથે અભ્યાસ કરતો પ્રણવ ગાવિત નામનો વિદ્યાર્થી પણ ૨૮ તારીખથી ગુમ થતાં પોલીસને તેના તરફ શંકા ગઈ હતી અને તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

૨૯ તારીખે વિદ્યાર્થીની નો કોલેજની લેબોરેટરીના નિર્માણાધીન બિલ્ડિંગમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો, પરંતુ તેની પાસે રહેલો મોબાઈલ ફોન ગુમ હતો. જ્યારે યુવતીએ પહેરેલી ચેઇન પણ તૂટેલી હાલતમાં મળી હતી. પોલીસ-તપાસમાં સામે આવ્યા મુજબ, પ્રણવ ગાવિત વિદ્યાર્થીની ને પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. કોલેજ સંકુલમાં નિર્માણાધીન લેબમાં આરોપી પ્રણવે વિદ્યાર્થીની ને મળવા માટે બોલાવી હતી. આ સમયે કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતાં પ્રણવે ગળું અને મોઢું દબાવી વિદ્યાર્થીની ની હત્યા નીપજાવી હતી. ત્યાર બાદ આરોપી મૃતક વિદ્યાર્થીની નો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયો હતો.

વિદ્યાર્થીની ની હત્યા નિપજાવ્યા બાદ પ્રણવ ગાવિતે મૃતક વિદ્યાર્થીની ના મોબાઈલથી એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું હતું, જેમાં વિદ્યાર્થીની ના કેટલાક ઓડિયો અને વીડિયો અપલોડ કરી વાઈરલ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે.

વલસાડ જિલ્લાની વિદ્યાર્થીની ની હત્યા બાદ મૃતક વિદ્યાર્થીની ના પિતાએ કોલેજમાં જ અભ્યાસ કરતા પ્રણવ ગાવિત નામના વિદ્યાર્થી સામે પોતાની પુત્રીની હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.