દિગ્ગજ અભિનેતા અને દિગ્દર્શક મનોબાલાનું નિધન, સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકની લહેર

ચેન્નાઇ,તમિલ વેટરન એક્ટર-ડાઈરેક્ટર મનોબાલાનું આજે ૬૯ વર્ષની વયે ચેન્નઈમાં નિધન થઈ ગયું. તે કથિતરૂપે બે અઠવાડિયાથી લીવર સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા હતા અને સારવાર ચાલી રહી હતી. તેમના પાથવ શરીરને અંતિમ દર્શન માટે ચેન્નઈના સાલિગ્રામમમાં એલ.વી.પ્રસાદ રોડ સ્થિત તેમના નિવાસે રખાશે. દિવંગત મનોબાલાના પરિવારમાં તેમની પત્ની ઉષા અને દીકરો હરીશ છે.

મનોબાલાના નિધનના અહેવાલથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર જોવા મળી રહી છે. અભિનેતા-દિગ્દર્શક જી.એમ.કુમાર અને ઈન્ડ્રસ્ટી ટ્રેકર રમેશ બાલા એ પ્રસિદ્ધ હસ્તીઓમાં સામેલ છે જેમણે આ અહેવાલની પુષ્ટી કરી હતી. તેમણે તેમના ફોલોવર સાથે ટ્વિટર પર ખુદ આ દુ:ખદ અહેવાલ શેર કર્યા હતા. તેની સાથે જ તમામ સાઉથ સિલેબ્સ અને ફેન્સ સોશિયલ મીડિયા પર મનોબાલાના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે મનોબલા તેમની કોમેડી ટાઈમિંગ અને સેલ્ફ ડિપ્રિકેટિંગ હ્યુમર માટે જાણીતા હતા. ૩૫ વર્ષની કારકિર્દીમાં તેમણે ૪૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. મનોબાલાએ ૧૯૭૯માં ભારતીયરાજાની પુથિયા વરપુગલથી તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ઘણી ફિલ્મોમાં સપોટગ રોલ ભજવ્યા હતા.